મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કાંદીવલી એજ્યુકેશન સોસાયટીના સહયોગથી પ્રકૃતિ પ્રેમીઓ માટે એક દ્રશ્ય શ્રાવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ્. પ્રદીપ સંઘવીએ તુંગારેશ્વરના કુસુમનાં વૃક્ષો તથા વિવિધ પુષ્પો વિશે વાત કરી હતી.
તેમજ તેમણે ફાલસા, કરમદી, જંગલી જૂઈ અને સુરંગીનાં પુષ્પોની સ્લાઈડ્સ દેખાડી એના સૌંદર્યને લગતા નિબંધ વાંચ્યા હતાં. ચણીબોરથી સહેજ નાનાં, ગોળાકાર, લાલચટાક, કંકુ નામે ઓળખાતા ફળની પણ એમણે જાણકારી આપી હતી. દહીસરના દેસાઈજી એક શિકારી હોવા ઉપરાંત માનવતાસભર હૈયું પણ ધરાવતા હતા અને તુંગારેશ્વરમાં સાબરના શિકાર વખતે બનેલી એક નાટ્યાત્મક સત્ય ઘટનાની વાત પણ પ્રદીપ સંઘવીએ કરી હતી.
કવિ સંજય પંડ્યાએ ડૉ.પ્રદીપ સંઘવીનો પરિચય આપ્યો હતો અને ચાર દાયકા અગાઉ ચિંચોટી અને તુંગારેશ્વરના જંગલોને ખૂંદી વળવાના તથા જળપ્રપાતોને માણવાના પોતાના અનુભવને શેર કર્યો હતો. કેઈએસ ભાષાભવનના કીર્તિ શાહે તમામનું હાર્દિક સ્વાગત કર્યું હતું.