નાકમાં દાંત ઊગ્યો, મેડિકલ ફિલ્ડનો રેર કિસ્સો રાજકોટમાં બન્યો

રાજકોટ: 38 વર્ષીય મહિલા સોનલબેન (નામ બદલાવેલ છે) છેલ્લા 10 વર્ષથી જમણા નાકમાં અવરોધ, દુર્ગંધ મારતું પ્રવાહી, ગંભીર માથાનાં દુઃખાવા અને વારંવાર થતી શરદીની સમસ્યાથી પીડાતા હતા. સ્થાનિક દવાઓથી રાહત ન મળતાં તેઓએ રાજકોટના અનુભવી ENT સર્જનનો સંપર્ક કર્યો. ડૉ. હિમાંશુ ઠક્કરનો સંપર્ક કર્યો અને આધુનિક સારવારથી નિદાન કર્યું. જાણવા મળ્યું કે, સોનલબેનના નાકમાં દાંત ઊગ્યો હતો. મેડિકલ ફિલ્ડનો આ અનોખો અને રેર કિસ્સો ગુજરાતમાં સામે આવ્યો.આ મહિલાએ રાજકોટમાં છેલ્લા બે દાયકાથી ઇ.એન.ટી. નિષ્ણાંત તબીબ તરીકે પ્રેક્ટિસ કરતા ડૉ. હિમાંશુ ઠક્કર પાસે નિદાન કરાવ્યું.તેમણે નાકની એન્ડોસ્કોપી અને સીટી સ્કેન કર્યું. જેમાં જમણા નાકમાં દાંત જેવી રચના મળી, જે ગ્રેન્યુલેશન ટિશ્યુ અને પ્રવાહીથી ઘેરાયેલી હતી. આને ‘એક્ટોપિક ટૂથ’ તરીકે ઓળખવામાં આવે છે. જે દાંત ખોટી જગ્યાએ ઉગે ત્યારે થાય છે. આ એક અતિ દુર્લભ સ્થિતિ છે. જેની ઘટનાઓ માત્ર 0.1% થી 1% કેસમાં થાય છે અને તબીબી ઇતિહાસમાં વિશ્વભરમાં 50થી પણ ઓછા કેસ નોંધાયેલા છે.ડૉ. ઠક્કરે દર્દીને એન્ડોસ્કોપિક સર્જરીની સલાહ આપી. ઓપરેશન દરમિયાન મોટા પથ્થર જેવી રચના, જેને rhinolith કહેવાય છે તે બહાર કાઢવામાં આવી. જેમાં દાંત સમાયેલો હતો. આ દાંત જમણા નાકના અંદરના ભાગ (ઇન્ફિરિયર ટર્બિનેટ)માંથી ઉગ્યો હતો. સર્જરી પૂરી રીતે સફળ રહી અને દર્દીને કોઈ પણ જાતની તકલીફો વિના હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા.હવે આ મહિલા સંપૂર્ણ રીતે તંદુરસ્ત છે. તેમનું માથાનું દુખવું દૂર થઈ ગયું છે અને તેઓ હવે સરળતાથી શ્વાસ લઈ શકે છે. દર્દીએ તબીબનો આભાર માન્યો.

(દેવેન્દ્ર જાની – રાજકોટ)