મણિપુરમાં ટોળાએ સીએમ બિરેન સિંહના પરિવારના ઘરને નિશાન બનાવ્યું

મણિપુરમાં ટોળાએ મુખ્યમંત્રી એન બિરેન સિંહના પૈતૃક ઘર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સુરક્ષા દળોએ તેને નિષ્ફળ બનાવ્યો હતો. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર પોલીસે જણાવ્યું કે આ દરમિયાન સુરક્ષા દળોએ ભીડને વિખેરી નાખી. જોકે, સીએમ બિરેન સિંહ તેમના પૈતૃક આવાસ પર રહેતા નથી અને તેઓ સત્તાવાર નિવાસસ્થાનમાં રહે છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “ઈમ્ફાલના હિંગંગ વિસ્તારમાં મુખ્યમંત્રીના પૈતૃક ઘર પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુરક્ષા દળોએ ભીડને ઘરથી લગભગ 100 મીટર દૂર રોકી હતી. “હવે ઘરમાં કોઈ રહેતું નથી, જોકે તે કડક સુરક્ષા હેઠળ છે.

તમને જણાવી દઈએ કે સોમવારના રોજ મણિપુરમાં ફરી તણાવ ફેલાઈ ગયો જ્યારે જુલાઈથી ગુમ થયેલા બે વિદ્યાર્થીઓના મૃતદેહોની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ. બે યુવકોના મોતને લઈને વિદ્યાર્થીઓએ મંગળવાર અને બુધવારે હિંસક વિરોધ કર્યો હતો. ટોળાએ ગુરુવારની વહેલી સવારે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં ડેપ્યુટી કમિશનરની ઓફિસમાં તોડફોડ કરી હતી અને બે ફોર વ્હીલર્સને આગ ચાંપી દીધી હતી. અધિકારીઓએ જણાવ્યું કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનોએ પરિસ્થિતિને કાબૂમાં લીધી.