ગુજરાતમાં 108 ટકા વરસાદ, પૂરગ્રસ્તોને 8 કરોડથી વધુની કેશડોલ્સ ચૂકવાઇ

ગાંધીનગર: રાજ્યમાં 25 થી 30 ઓગસ્ટ દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 49 વ્યક્તિના મોત થયાની પ્રાથમિક માહિતી સામે આવી છે. બીજી તરફ અત્યાર સુધી રાજ્યમાં 108 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. આમ, તમામ ઝોનમાં 100 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.રાહત કમિશનર આલોક પાંડેએ ભારે વરસાદના લીધે થયેલા નુકસાનના અહેવાલ અંગે જણાવ્યું કે, “રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ડિપ્રેશન સર્જાતા ભારે વરસાદ ખાબક્યો છે. આ દરમિયાન (25 થી 30 ઓગસ્ટ)  30 ટકા જેટલો વરસાદ 14 જિલ્લા પ્રભાવિત થયા છે. પૂરગ્રસ્ત વિસ્તારોના 16,95,561 લોકોને 8 કરોડથી વધુ કેશડોલ ચૂકવવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેશડોલ્સ અને ઘરવખરી સહાયની નિયમાનુસારની ચુકવણી પ્રક્રિયા ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં અસરગ્રસ્તોનો સરવે કરીને હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત વરસાદથી અસર પામેલા જરૂરિયાતમંદ વ્યક્તિઓ-પરિવારો કે જેમની રોજી-રોટીને અસર થઈ છે તથા ઘરવખરી સામાન તણાઈ જવાથી કે નાશ થવાથી નુકસાન થયું છે તેમને રાજ્ય સરકાર દ્વારા સહાય ચૂકવણી કરવામાં આવી છે.”આલોકકુમાર પાંડેએ વધુમાં જણાવ્યું કે, “વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, કચ્છ, ખેડા, ગાંધીનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, નર્મદા, નવસારી અને પોરબંદર, મોરબી તથા વલસાડ જિલ્લામાં કુલ 1120 ટીમ દ્વારા સરવેની કામગીરી હાથ ધરવામાં આવી છે. અહીં 3 સપ્ટેમ્બર સુધીમાં પૂરગ્રસ્ત વિસ્તારોના 16,95,561 લોકોને 8 કરોડથી વધુ કેશડોલ્સ ચૂકવવામાં આવી છે, જેમાં 5 હજાર લોકોને તાત્કાલિક કેશડોલ્સ ચૂકવાઈ હતી.”

“આ ઉપરાંત 11 પરિવારને 50 હજારની ઘરવખરી અપાઈ હતી. 22 મૃતકોના પરિવારજનોને 88 લાખની સહાય ચૂકવી દેવામાં આવી છે. જો કે ફક્ત બે-ત્રણ લોકોને સહાય ચૂકવવાની બાકી છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક કાચા-પાકા મકાનો અને ઝૂંપડાં તૂટી ગયા છે. તેમજ 2618 પશુઓના મોત થયા છે. જેના માટે 367 કરોડની રકમ સહાય પેટે ચૂકાવવામાં આવી છે.”