અમદાવાદ: રાજેશ ચંદવાની દ્વારા નિર્મિત એક દસ્તાવેજી ફિલ્મે વર્ષ 2023 માટે 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ દસ્તાવેજી ફિલ્મનો પુરસ્કાર જીત્યો છે. તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) ના ફેકલ્ટી સભ્ય પ્રોફેસર છે. આ દસ્તાવેજી ફિલ્મ, ‘ગોડ, વલ્ચર્સ એન્ડ હ્યુમન’, પ્રોફેસર રાજેશ ચંદવાની અને સ્ટુડિયો લિચી દ્વારા નિર્મિત છે અને ઋષિરાજ અગ્રવાલ દ્વારા દિગ્દર્શિત છે. આ ફિલ્મ ભારતમાં અંગ દાન અને પ્રત્યારોપણની ભાવનાત્મક રીતે પડકારજનક પ્રક્રિયામાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર્સ (OTCs) ની ઘણીવાર અવગણવામાં આવતી ભૂમિકાને એક શક્તિશાળી શ્રદ્ધાંજલિ છે.પ્રોફેસર ચંદવાણી માનવ સંસાધન વ્યવસ્થાપન ક્ષેત્રના ફેકલ્ટી સભ્ય અને IIMA ખાતે સેન્ટર ફોર મેનેજમેન્ટ ઓફ હેલ્થ સર્વિસીસના સહ-અધ્યક્ષ છે. તેમનું સંશોધન આરોગ્યસંભાળ વ્યવસ્થાપન, માનવ સંસાધન વ્યવસ્થાપન અને માહિતી ટેકનોલોજી પર છે.
આ માન્યતા અંગે પોતાના વિચારો શેર કરતા, પ્રોફેસર ચંદવાણીએ કહ્યું, “આ એવોર્ડ મળવાથી મને નમ્રતા અને ગર્વ બંનેનો અનુભવ થાય છે. આ એવોર્ડ સમગ્ર ભારતમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર્સના અથાક પ્રયાસો અને તેમણે કરેલી ભાવનાત્મક યાત્રાઓને શ્રદ્ધાંજલિ સ્વરૂપ છે.”
આ ફિલ્મનું પ્રીમિયર અમદાવાદમાં ઇન્ડિયન સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન કોન્ફરન્સ 2024 (ISOT 2024) માં થયું હતું અને તેને અઝરબૈજાનના બાકુમાં ડોકુબાકુ ઇન્ટરનેશનલ ડોક્યુમેન્ટરી ફિલ્મ ફેસ્ટિવલ (IDFF) સહિત અનેક પ્રતિષ્ઠિત ભારતીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવોમાં સ્ક્રિનીંગ માટે પસંદ કરવામાં આવી છે.
