લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા હતાં. તેમણે કોંગ્રેસ ભવન ખાતે સભાને સંબોધન કરતાં બે પ્રકારના ઘોડાની વાત કરી હતી. તેમના આ નિવેદન પર ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કટાક્ષ કર્યો છે. મહેસાણાના GIDC ટાઉનહોલ ખાતે કાર્યકર્તા આભાર દર્શન કાર્યક્રમમાં નીતિન પટેલે નિવેદન આપ્યું હતું. મહેસાણાના ભાજપના સાંસદ હરિભાઈ પટેલનો જીઆઇડીસી ટાઉનહોલ ખાતે કાર્યકર્તા આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્ર નીતિન પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે સંબોધનમાં રાહુલ ગાંધીના નિવેદન પર કટાક્ષ કર્યો હતો. નીતિન પટેલે કહ્યું હતું કે, ભાજપ પાસે ફક્ત રેસમાં દોડનાર ઘોડા છે, કોઈના ઘરે લગ્ન હોય, કોઈની ઈચ્છા હોય કે નાચનાર ઘોડા પર વરઘોડો કાઢવો છે તો કોંગ્રેસવાળા કોઈને બોલાવી દેજો.
રાહુલ ગાંધીએ બે પ્રકારના ઘોડાની વાત કરી હતી
અમદાવાદ રાજીવ ભવન ખાતે કાર્યકર્તાઓને સંબોધન સમયે રેસના ઘોડા અને લગ્નમાં નાચવાવાળા ઘોડાની વાત કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીમાં એક મુશ્કેલી છે. બે પ્રકારના ઘોડા હોય છે. એક રેસનો ઘોડો અને બીજો લગ્નનો ઘોડો. ક્યારેક-ક્યારેક કોંગ્રેસ પાર્ટી રેસના ઘોડાને લગ્નમાં મોકલી દે છે અને લગ્નના ઘોડાને રેસમાં લગાવી દે છે. તો કાર્યકરે મને કહ્યું કે તમે આ બંધ કરાવી દો. રેસના ઘોડાને તમે રેસમાં દોડાવો અને લગ્નના ઘોડાને લગ્નમાં મોકલો. તો આ અમારે ગુજરાતમાં કરવાનું છે. જે રેસના ઘોડા છે, જે દોડવા માટે તૈયાર છે, એને રેસમાં લગાવવા જોઈએ અને જે લગ્નના ઘોડા છે તેને આપણે લગ્નમાં નચાવવા જોઈએ. હવે આ કામ સિરિયસલી કરવાનું છે.