પાકિસ્તાન ટેન્શન વધારશે તો જવાબ જડબાતોડ મળશેઃ ડોભાલ

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર પછી ભારતે પાકિસ્તાનને ફરી ચેતવણી આપી છે કે જો તેણે ટેન્શન વધારવાનો પ્રયાસ કર્યો તો કડક કાર્યવાહી કરવામાં આવશે. એ સાથે જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે વિશ્વભરના પોતાના સમકક્ષ નેતાઓને આ સંદર્ભમાં સ્પષ્ટ સંદેશો આપ્યો છે. તેમણે વિવિધ દેશોમાં પોતાના સમકક્ષોને કહ્યું હતું કે ભારતનો ટેન્શન વધારવાનો કોઈ ઇરાદો નથી, પરંતુ જો પાકિસ્તાન ટેન્શન વધારશે તો ભારત દ્રઢતાપૂર્વક જવાબ આપવા માટે તૈયાર છે.

ડોભાલે અમેરિકા, બ્રિટન, સાઉદી અરબ અને જાપાનમાં પોતાના સમકક્ષોને પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજાવાળા જમ્મુ-કાશ્મીરમાં આવેલા આતંકવાદી માળખા વિરુદ્ધ ભારતે કરેલા મિસાઇલ હુમલાઓ અંગે માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમણે રશિયા અને ફ્રાંસ સાથે પણ સંપર્ક સાધ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે ડોભાલે પોતાના સમકક્ષોને આ કાર્યવાહી કેવી રીતે કરવામાં આવી તે અંગે માહિતી આપી હતી.

ડોભાલે સ્પષ્ટ કહ્યું હતું કે ભારત ટેન્શન વધારવા નથી માગતું, પરંતુ જો પાકિસ્તાન એવો પ્રયાસ કરશે તો ભારત તેનો મજબૂત જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ભારતે POK અને પાકિસ્તાનની અંદર નવ સ્થળોએ ઓપરેશન સિંદૂરને સફળતાપૂર્વક અંજામ આપ્યો હતો. ડોભાલે અમેરિકન NSA અને વિદેશ મંત્રી માર્કો રુબિયો, બ્રિટનના જોનાથન પાવેલ, સાઉદી અરબના મુસૈદ અલ ઐબન, UAEના વડા શેખ તહનૂન અને જાપાનના મસાતાકા ઓકાનો સાથે વાતચીત કરી હતી.