ગુજરાતના નવા મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે IAS સંદીપ સાગલેની નિમણૂક

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભારત ચૂંટણી પંચે એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) તરીકે IAS અધિકારી સંદીપ સાગલેની નિમણૂક કરવામાં આવી છે. તેઓ હરિત શુકલાની જગ્યાએ આ મહત્વની જવાબદારી સંભાળશે.

ભારત ચૂંટણી પંચે ગુજરાત સરકાર સાથે પરામર્શ કર્યા બાદ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની કલમ 13-ક હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને આ નિમણૂક કરી છે. આદેશ મુજબ, સંદીપ જનાર્દનપંત સાગલે જે તારીખથી કાર્યભાર સંભાળશે તે દિવસથી આ નિમણૂક અમલી ગણાશે. તેમણે રાજ્ય સરકાર હેઠળના તેમના અન્ય તમામ વર્તમાન હોદ્દાઓ અને કાર્યભાર તાત્કાલિક છોડવાના રહેશે.

નોંધનીય છે કે, જૂન 2024માં પી. ભારતીની જગ્યાએ હરિત શુકલાને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જોકે, ટૂંકા ગાળામાં જ હવે તેમની જગ્યાએ સંદીપ સાગલેને આ પદ સોંપવામાં આવ્યું છે.