અમદાવાદમાં પતંગ પર્વને ઉજવવા ખરીદી માટે ભારે ભીડ

અમદાવાદ: શહેરના રાયપુર દરવાજા, દિલ્હી દરવાજા, કાલુપુર ટંકશાળ વિસ્તારમાં ઉતરાયણમાં પતંગબાજી માટે મળતી સામગ્રીની ખરીદી માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શહેરનો વિસ્તાર વધતાં હવે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના ખુલ્લા પ્લોટ, માર્ગો પર પતંગ દોરીના મંડપ, ખૂમચા, લારીઓ લાગી ગઈ છે. નવા વાડજ, અંકુર નારણપુરા, આર.સી.ટેકનિકલ રોડ, સાયન્સ સિટી રોડ, ચાંદલોડિયા વંદેમાતરમ રોડ, મણીનગર, નિકોલ નરોડા સહિત અનેક વિસ્તારોમાં પતંગ, દોરી, ચશ્મા, ગુંદર પટ્ટી, આંગળીના રક્ષણ માટેની ટોટીઓ, પીપૂડા, બલૂન, વિવિધ આકારની ટોપીઓ અને અજબ ગજબના મુખોટાનું વેચાણ થઈ રહ્યું છે. પતંગની ખરીદી કરવા આવેલ વ્રજેશ રાવલ ચિત્રલેખા.કોમને કહે છે કોટ વિસ્તારમાં એટલે કે શહેરની મધ્યમાં દોરી રંગાવવાની અને પતંગોની ખરીદી કરવાની મજા આવે છે પરંતુ અતિશય ટ્રાફિક અને વાહન પાર્કિંગની સમસ્યાના કારણે કેટલાક પતંગ પ્રેમીઓ બહારના વિસ્તારમાંથી જ ખરીદી કરી લેતા હોય છે. આ વર્ષે પ્રાણીઓ, અવનવા સંદેશા, રાષ્ટ્રધ્વજ અને વેલકમ-2025ના પ્રિન્ટિંગ સાથેની પતંગોનું ભારે વેચાણ થઈ રહ્યું છે. પતંગની દોરી ખરીદવા માટેનો સમય મળી જતાં બજારોમાં ભારે ચહલ-પહલ જોવા મળી હતી.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)