મુંબઈ: વર્ષ 2009 પહેલા તમે ભાગ્યે જ રાજ કુન્દ્રાનું નામ સાંભળ્યું હશે. રાજ કુન્દ્રાએ 2009માં બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી સાથે લગ્ન કર્યા ત્યારે તે નામ ચર્ચામાં આવ્યુ.લાખો લોકોના દિલની ધડકન અભિનેત્રી શિલ્પા શેટ્ટી કયા બિઝનેસમેનની પત્ની બની ? હાઇ-ફાઇ લગ્ન દરમિયાન તે પણ પ્રકાશમાં આવ્યું હતું કે શિલ્પાએ જેવા-તેવાં કોઈ સાથે નહીં પણ લંડનના બિઝનેસ ટાયકૂન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા છે, આવી બધી ચર્ચાઓ તે સમયે બહુ જ ચાલી હતી. જોકે લગ્નના ઘણાં વર્ષો બાદ રાજ કુન્દ્રાનું નામ ફરી ચર્ચામાં આવ્યું. એ પણ પોર્નોગ્રાફી કેસ જેવા મામલે. પરંતુ આપણે એ મુદ્દા પર વાત કરતાં એ વિશે જાણીએ કે શિલ્પા શેટ્ટીના પતિ તરીકે અને બિઝનેસમેન તરીકે ખ્યાતિ ધરાવનાર રાજ કુન્દ્રાની આખી કહાની શું છે? રિપુ સુદાન કુંદ્રા કેવી રીતે રાજ કુંદ્રા બન્યા?
પ્રથમ નામ બદલ્યું
હા,રાજ કુન્દ્રાનું સાચું નામ રિપુ સુદાન કુન્દ્રા હતું,જે તેણે સફળતા હાંસલ કર્યા પછી બદલી નાખ્યું.આ નામ તેમનું ઉપનામ છે અને ઘણા સત્તાવાર કાગળો પર તેઓ હજુ પણ રિપુ સુદાન કુન્દ્રા છે. રાજ કુન્દ્રાનો જન્મ અને ઉછેર લંડનમાં થયો. રાજના પિતા બસ કંડક્ટર હતાં.તેના પિતા પંજાબથી લંડન ગયા અને ત્યાં બસ કંડક્ટર તરીકે કામ કરવા લાગ્યા. તેની માતા ઉષા રાની દુકાનમાં કામ કરતી હતી. બાદમાં તેના પિતાએ બિઝનેસ શરૂ કર્યો અને એક નાનકડી રેસ્ટોરન્ટ ખોલી.ઘરના સંજોગો ખૂબ જ મુશ્કેલ હતા,આમાંથી બહાર આવવાની અને અબજોપતિ બનવાની સફર ઘણી રસપ્રદ છે.
મુશ્કેલ બાળપણ હતું
રાજ કુન્દ્રા વિશે કહેવાય છે કે તેણે 18 વર્ષની ઉંમરે બિઝનેસ શરૂ કર્યો હતો. તેમનું બાળપણ કષ્ટોથી ભરેલું હતું.એકવાર તેના પિતાએ તેને સ્પષ્ટ કહ્યું કે કાં તો કામ કરો અથવા રેસ્ટોરન્ટ ચલાવો. રાજ કુન્દ્રાએ તેના પિતાની વાતને ગંભીરતાથી લીધી અને નક્કી કર્યું કે તે કંઈક અલગ કરશે. તેણે પોતાનો બિઝનેસ શરૂ કર્યો. તે બિઝનેસ શરૂ કરવા માટે થોડા પૈસા લઈને દુબઈ ગયો હતો.તે ત્યાં હીરાના વેપારીઓને મળ્યો,પણ પરિણામ કંઈ ખાસ આવ્યું નહીં. આ પછી તેણે નેપાળ જવાનું નક્કી કર્યું. ત્યાંથી તેણે પશ્મિના શાલ ખરીદવાની અને તેને બ્રિટનના બ્રાન્ડેડ ફેશન સ્ટોર્સમાં વેચવાની યોજના બનાવી અને આ યોજના સફળ રહી.આ કામમાંથી તેણે નફો તો મેળવ્યો,પણ તેનું દિલ અને દિમાગ હીરાના ધંધામાં જ અટવાયેલું હતું. તેણે ફરી એકવાર હાથ અજમાવવાનું નક્કી કર્યું અને દુબઈ પહોંચી ગયા અને આ કામમાં સફળ પણ થયાં.
10 કંપનીઓના માલિક
હાલમાં, રાજ કુન્દ્રા વિવિધ ક્ષેત્રોની લગભગ 10 કંપનીઓના માલિક છે. તેઓ ફૂડ ચેઈન, ફેશન ઈન્ડસ્ટ્રી, રિયલ એસ્ટેટ, સ્ટીલ, ફોરેક્સ ઈન્વેસ્ટમેન્ટ, કન્સ્ટ્રક્શન, સુપર ફાઈટ લીગ, સતયુગ ગોલ્ડ જેવી ઘણી વસ્તુઓ સાથે સંકળાયેલા છે. આ સિવાય તે ઘણી ફિલ્મોમાં પણ પૈસા લગાવી રહ્યા છે. તેણે આઈપીએલ ટીમમાંથી ઘણી કમાણી કરી હતી, જે બાદમાં તેને વિવાદને કારણે ગુમાવવી પડી હતી. તમને યાદ અપાવીએ કે, રાજ કુન્દ્રાએ પોતે વિડિયો દ્વારા જણાવ્યું હતું કે પહેલા તે ટેક્સી પણ ચલાવતો હતો. શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ વર્ષ 2009માં લગ્ન કર્યા હતા અને હવે તેમના લગ્નને 15 વર્ષ વીતી ગયા છે. આ દંપતીને બે બાળકો છે,એક પુત્રી સમિષા શેટ્ટી કુંદ્રા અને એક પુત્ર,વિયાન રાજ કુન્દ્રા.શિલ્પા પહેલા પણ રાજ કુન્દ્રાના લગ્ન થયા હતા,જે લાંબો સમય ટકી શક્યા નહીં અને છૂટાછેડામાં પરિણમ્યા.રાજે પહેલા કવિતા નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. તેનાથી તેને એક પુત્રી પણ હતી. ડિવોર્સ બાદ રાજે બીજા લગ્ન શિલ્પા શેટ્ટી સાથે કર્યા.
રાજ કુન્દ્રા તેમની પત્નીની ચેરિટેબલ સંસ્થા શિલ્પા શેટ્ટી ફાઉન્ડેશન સાથે પણ સંકળાયેલા છે. તેમજ “હાઉ નોટ ટુ મેક મની” નામનું તેમનું પુસ્તક 2013માં પ્રકાશિત થયું હતું. સ્વચ્છ અભિયાન સાથે જોડાયા બાદ તેના માટે રાજ કુન્દ્રાને 2019માં ‘ચેમ્પિયન ઓફ ચેન્જ’નામના એવોર્ડથી નવાજવામાં આવ્યાં હતાં. 2021માં રાજ કુન્દ્રાએ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પોર્નોગ્રાફી જેવા કેસ મામલે રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી અને તેમને જેલમાં જવું પડ્યું હતું.હવે 2024માં ફરી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા EDને કારણે ચર્ચામાં આ્યાં છે. ઈડીએ તેમની 98 કરોડની સપંત્તિ જપ્ત કરી છે.