શિલોંગઃ સોનમ રઘુવંશી સહિત રાજા રઘુવંશી હત્યાકાંડના તમામ આરોપીઓ પોલીસ રિમાન્ડમાં છે. પોલીસની તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે તેમ-તેમ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. આરોપીઓની પૂછપરછ અને તપાસમાં સૌથી મોટો ખુલાસો થયો છે કે રાજા રઘુવંશી હત્યાકાંડની માસ્ટરમાઈન્ડ સોનમ નહીં, પરંતુ તેનો પ્રેમી રાજ કુશવાહા છે. રાજે સંપૂર્ણ કાવતરું રચ્યું હતું અને સોનમ એમાં સહભાગી બની હતી.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ હત્યા માટે કોઈ નાણાંકીય લાભ ન મળ્યો હતો. રાજના જ મિત્રો જેમમાં એક તેનો કઝિન ભાઈ પણ છે, તેમણે માત્ર રાજ માટે ફેવરરૂપે હત્યા કરી હતી.
હત્યા માટે ચાર વાર યોજાયો પ્લાન
ફેબ્રુઆરીમાં રાજે સોનમને ગાયબ કરવાનો પહેલો પ્લાન બનાવ્યો હતો – પહેલો પ્લાન સોનમને નદીમાં ફેંકવાનો હતો. બીજો પ્લાન કોઈ મહિલાનો મૃતદેહ લાવીને સોનમની સ્કૂટીની સાથે બાળીને લોકોમાં એ વિશ્વાસ ઊભો કરવો કે સોનમ મરી ગઈ છે, પરંતુ બંને પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા. આ દરમ્યાન 11 મેએ સોનમનાં લગ્ન રાજા રઘુવંશી સાથે થઇ ગયાં.
આ લગ્ન પછી સોનમ અને રાજા કામાખ્યા દેવી મંદિર દર્શને ગયા હતા. 19 મેએ રાજના ત્રણ મિત્રો – વિશાલ, આનંદ અને આકાશ પહેલાથી જ ગૌહાટી પહોંચી ગયા હતા અને ત્યાં રાજાની હત્યાનો પ્લાન હતો, પણ તે પણ નિષ્ફળ રહ્યો. ત્યાર બાદ સોનમે ચેરાપુંજી (સોહરા)માં હત્યાનો પ્લાન બનાવ્યો.
તેમની યોજના મુજબ ચેરાપુંજીમાં પાર્કિંગ વિસ્તારમાં સૌ મળ્યા, ત્યાં જ રાજાની હત્યા કરીને લાશ ખાઈમાં ફેંકી દેવામાં આવી હતી. એ દરમિયાન સોનમે પોતાનો રેઇનકોટ આકાશને આપ્યો હતો, કારણ કે તેની શર્ટ પર લોહીના ડાઘ હતા.
કિડનેપ થવાનું નાટક
જ્યારે આરોપીઓને લાગ્યું કે તેમની ઓળખ ખબર પડી ગઈ છે ત્યારે રાજે સોનમને ઇન્દોર છોડવાની સલાહ આપી. આ દરમિયાન એક આરોપી પોલીસે પકડ્યો ત્યારે રાજને જાણ થઈ ગઈ હતી. રાજે તરત જ સોનમને ફોન કરી કહ્યું – “તું જ્યાં પણ હોય ત્યાંથી તારા પરિવારને ફોન કરી કહેજે કે તું કિડનેપરોની ચંગુલમાંથી છૂટી ગઈ છે. હવે પાંચેય આરોપીની ધરપકડ થઈ ગઈ છે અને પૂછપરછ ચાલુ છે.
