UKના શ્રીમંતોની યાદીમાં હિંદુજા પરિવારનું ચોથા વર્ષે ટોચનું સ્થાન

મુંબઈઃ બહુરાષ્ટ્રીય ઉદ્યોગસમૂહ અને 110 વર્ષ જૂના હિંદુજા ગ્રુપના ચેરમેન ગોપીચંદ હિંદુજાની આગેવાની હેઠળના હિંદુજા પરિવારે સતત ચોથા વર્ષે 35.3 અબજ પાઉન્ડની સંપત્તિ સાથે સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટ એ યુનાઇટેડ કિંગડમમાં રહેતા શ્રીમંત લોકો અને પરિવારોની નિશ્ચિત વાર્ષિક યાદી છે, જેમાં 2025ની એડિશનમાં 350 એન્ટ્રીઝનો સમાવેશ થાય છે. વૈશ્વિક પડકારો અને નીતિગત પરિવર્તનો છતાં હિંદુજા પરિવારે અદ્વિતીય વ્યાપાર સ્થિતિસ્થાપકતા અને વૈશ્વિક નેતૃત્વ દર્શાવવાનું ચાલુ રાખ્યું છે.

જી. પી. હિંદુજાના નેતૃત્વ હેઠળ યુકે સ્થિત પરિવારની કંપનીઓનું સમૂહ મોબિલિટી, ડિજિટલ ટેક્નોલોજી, બેંકિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીઝ, મિડિયા, પ્રોજેક્ટ ડેવલપમેન્ટ, લ્યુબ્રિકન્ટ્સ અને સ્પેશિયલ્ટી કેમિકલ્સ, એનર્જી, રિયલ એસ્ટેટ, ટ્રેડિંગ અને હેલ્થકેર જેવાં વિવિધ ક્ષેત્રોમાં રોકાણો સાથે 38 દેશોમાં કામ કરે છે.

ગયા વર્ષે હિંદુજા ગ્રુપે વેહિકલ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણો સહિત ભારતમાં ઇલેક્ટ્રિક મોબિલિટી સેક્ટર પર તેનું ધ્યાન વધાર્યું હતું જે ટકાઉપણા અને ભવિષ્ય માટે તૈયાર નવીનતા તરફ વ્યૂહાત્મક અભિગમને દર્શાવે છે.

હિંદુજા પરિવાર હિંદુજા ફાઉન્ડેશન થકી સામાજિક અસર માટે ગહનપણે પ્રતિબદ્ધ રહે છે જે શિક્ષણ, હેલ્થકેર, ટકાઉ ગ્રામીણ વિકાસ અને જળ સંવર્ધનમાં પરિવર્તનકારી પહેલ પર ધ્યાન આપે છે અને વિવિધ દેશોમાં સમુદાયો પર પ્રભાવ પાડે છે.

ધ સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટ 2025માં સ્થાન મેળવનારા અન્ય પ્રતિષ્ઠિત લોકોમાં 26.873 અબજ પાઉન્ડ સાથે ડેવિડ એન્ડ સિમોન રૂબેન અને પરિવાર, 25.725 અબજ પાઉન્ડ સાથે સર લિઓનાર્ડ બ્લાવત્નિક, 20.8 અબજ પાઉન્ડ સાથે સર જેમ્સ ડાયસન અને પરિવાર, 20.121 અબજ પાઉન્ડ સાથે ઇડેન ઓફર, 17.746 અબજ પાઉન્ડ સાથે ગાય, જ્યોર્જ, અલાન્નાહ અને ગેલન વેસ્ટન અને પરિવાર, 17.046 અબજ પાઉન્ડ સાથે સર જિમ રેટક્લિફ અને 15.444 અબજ પાઉન્ડ નેટવર્થ સાથે લક્ષ્મી મિત્તલ અને પરિવારનો સમાવેશ થાય છે.