ગુજરાત સહિત દેશભરમાં મેઘરાજાએ ફરી ધમાકેદાર એન્ટ્રી કરી છે. ત્યારે ગુજરાતમાં આજથી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 23 ઓગસ્ટ સુધી રાજ્યના 25 થી વધુ જિલ્લામાં અતિભારે વરસાદ પડશે.

હવામાન વિભાગની આગાહી મુજબ, સૌરાષ્ટ્રના ગીર, તાલાલા, અમરેલી, ખાંભા ગીર, જૂનાગઢ, વંથલી, સાવરકુંડલા, દક્ષિણ ગુજરાતના ડાંગ અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને પાટણના સિદ્ધપુર, અરવલ્લીના મેઘરાજ અને અન્ય વિસ્તારોમાં વરસાદ પ્રવેશ્યો છે. કેટલાક વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. વરસાદને કારણે મગફળી અને કપાસ સહિતના પાકોને જીવનનો આધાર મળ્યો છે. વરસાદને કારણે નદીઓમાં નવા પાણી પ્રવેશ્યા છે. વરસાદે વિરામ લીધા બાદ તોફાની પવન ફૂંકાયો હતો, જ્યારે વરસાદ બાદ વાતાવરણ ઠંડકભર્યું બન્યું હતું.

હવામાન વિભાગ મુજબ, આજે સોમવારે 24 જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે. જેમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.




