શેર માર્કેટમાં તેજી, નિફ્ટી ઓલટાઈમ હાઈ

છેલ્લા ઘણા સમયથી શેર માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી તમામ રેકોર્ડ તોડી ઓલ ટાઈમ હાઈની સપાટીએ બંધ થઈ રહ્યા છે. ઓગસ્ટ મહિનાનું પ્રથમ ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે ઐતિહાસિક હતું. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પ્રથમ વખત 25,000ની સર્વકાલીન ઊંચી સપાટીને પાર કરવામાં સફળ રહ્યો હતો, જ્યારે BSE સેન્સેક્સે પણ 82,000નો આંકડો પાર કરીને 82,129.49ની ઐતિહાસિક ટોચે પહોંચી હતી. બજારમાં આ ઉછાળાનો શ્રેય ઉર્જા ક્ષેત્રના શેરોને જાય છે. કોલ ઈન્ડિયા, ઓએનજીસી પાવર ગ્રીડ જેવી સરકારી કંપનીઓના શેરમાં ભારે ખરીદી જોવા મળી રહી છે. આજના કારોબારના અંતે નિફ્ટી 640 પોઈન્ટના ઉછાળા સાથે 25,000ની સપાટી વટાવીને 25,011 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ 126 પોઈન્ટના ઉછાળા સાથે 81,867 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

આજના વેપારમાં એનર્જી શેરોનું વર્ચસ્વ હતું. આ સેક્ટરના શેરો પર નજર કરીએ તો પાવર ગ્રીડ 3.73 ટકા, અદાણી ગ્રીન એનર્જી 3.16 ટકા, ટાટા પાવર 2.51 ટકા, ONGC 2.03 ટકા, NTPC 1.83 ટકા, રિલાયન્સ 0.75 ટકાના વધારા સાથે બંધ થયા છે. આ સિવાય HDFC બેન્ક 1.85 ટકા, નેસ્લે 1.38 ટકા, અદાણી પોર્ટ્સ 1.07 ટકા, મારુતિ સુઝુકી 1.01 ટકા, ભારતી એરટેલ 0.66 ટકાના વધારા સાથે બંધ થયા હતા. ઘટતા શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 2.76 ટકાના ઘટાડા સાથે, ટાટા સ્ટીલ 1.36 ટકાના ઘટાડા સાથે, બજાજ ફિનસર્વ 1.20 ટકાના ઘટાડા સાથે, SBI 1.20 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.

આજના કારોબારમાં એનર્જી, ફાર્મા, એફએમસીજી, હેલ્થકેર બેન્કિંગ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં ખરીદારી જોવા મળી હતી, જ્યારે ઓટો, આઈટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ્સ, રિયલ એસ્ટેટ અને મીડિયા શેરો નુકસાન સાથે બંધ થયા હતા. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં આજે તેજીને બ્રેક લાગી હતી અને આ શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. સેન્સેક્સના 30 શેરોમાંથી 15 વધ્યા અને 15 નુકસાન સાથે બંધ થયા. નિફ્ટીના 50 શેરોમાંથી 28 વધ્યા અને 22 નુકસાન સાથે બંધ થયા.