હર્ષિત રાણાએ કરી કમાલ, 50 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આ રેકોર્ડ બન્યો

હર્ષિત રાણાએ ઈંગ્લેન્ડ સામે નાગપુર વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. આ ખેલાડીએ પોતાની કારકિર્દીની પહેલી જ ODI મેચમાં પોતાની છાપ છોડી દીધી. તેણે 3 વિકેટ લીધી અને આ સાથે તેણે એક ખાસ પ્રકારની હેટ્રિક લીધી. હર્ષિત રાણાએ ભારત માટે ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું છે અને ત્રણેય વખત તેણે પહેલી મેચમાં ત્રણ કે તેથી વધુ વિકેટ લીધી છે. આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ભારતીય ક્રિકેટર છે. ભારતીય ટીમ 1974 થી ODI ક્રિકેટ રમી રહી છે અને ૫૦ વર્ષના ઇતિહાસમાં કોઈ ખેલાડી હર્ષિત રાણા જેવો ચમત્કાર કરી શક્યો નથી. હર્ષિત રાણાએ પોતાના ટેસ્ટ ડેબ્યૂમાં 4 વિકેટ લીધી હતી. તેણે પોતાના T20 ડેબ્યૂમાં 3 વિકેટ લીધી હતી અને હવે તેણે પોતાના ODI ડેબ્યૂમાં પણ 3 વિકેટ લીધી છે.

હર્ષિત રાણા તેની પહેલી મેચમાં થોડો મોંઘો સાબિત થયો પરંતુ તેણે ચોક્કસપણે તેની વિકેટ લેવાની ક્ષમતા સાબિત કરી. જમણા હાથના ઝડપી બોલરે પહેલા બેન ડકેટને આઉટ કર્યો. આ પછી તેણે હેરી બ્રુકની વિકેટ લીધી. લિયામ લિવિંગસ્ટોન હર્ષિત રાણાનો ત્રીજો શિકાર બન્યો. હર્ષિત રાણાએ શોર્ટ બોલ પર ત્રણેય વિકેટ લીધી.

ઇંગ્લેન્ડ 248 રનમાં ઓલઆઉટ

નાગપુર વનડેમાં ઈંગ્લેન્ડની ટીમ ફક્ત 248 રન જ બનાવી શકી. હર્ષિત રાણા ઉપરાંત, રવિન્દ્ર જાડેજાએ આ ટીમને ઘણી મુશ્કેલીમાં મૂકી. જાડેજાએ માત્ર 26 રન આપીને 3 વિકેટ લીધી. તે ટીમ ઈન્ડિયાનો શ્રેષ્ઠ બોલર સાબિત થયો. જાડેજાએ જો રૂટની વિકેટ લીધી. આ ઉપરાંત તેણે બટલર અને આદિલ રશીદની વિકેટ પણ લીધી. પરિણામે, ઇંગ્લેન્ડની ટીમ ઝડપથી પડી ભાંગી. બટલરે ૫૨ રન અને બેથેલે ૫૧ રન બનાવીને ઈંગ્લેન્ડને શરૂઆતમાં જ પતનથી બચાવ્યું.