બિપરજોય વાવાઝોડાને લઈને હર્ષ સંઘવીએ યોજી બેઠક, લોકોને કરી ખાસ અપીલ

વાવાઝોડાને લઈ રાજ્ય સરકાર સતર્ક બની છે. હવામાન વિભાગ દ્વારા બિપરજોય વાવાઝોડા અંગે આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓને એલર્ટ કરાયા છે. મોડી રાત્રે ગૃહ હર્ષ સંઘવીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે.

વાવાઝોડાને લઈ  સરકાર સતર્ક

વાવાઝોડાને લઈ રાજ્ય સરકાર સતર્ક બની છે. બિપોરજોય વાવાઝોડાને લઈ દરિયાકાંઠાના તમામ જિલ્લાઓનું વહીવટીતંત્ર કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ બન્યું છે. વાવાઝોડાની પરિસ્થિતિનો તાગ મેળવવા CM ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓને વિવિધ જિલ્લામાં જવા આદેશ આપ્યા હતા.જેના પગલે મંત્રીઓ વિવિધ જિલ્લામાં પહોંચ્યા છે. તો ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી દેવભૂમિદ્વારકા જિલ્લામાં પહોંચ્યા હતા. તેમણે લોકોને વાવાઝોડા દરમિયાન સાવચિત રાખવા અપિલ કરી હતી તેમજ વહીવટી તંત્રની સૂચનાનું લોકો પાલન કરવા અનુરોધ કર્યો હતો.


1100 પરિવારોનું સ્થળાંતર કરાવાયુ 

બિપરજોય વાવાઝોડાને પહોંચી વળવા રાજ્ય સરકાર સતર્ક બની છે. મોડી રાત્રે હર્ષ સંઘવીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે 4100માંથી 1100 પરિવારોનું સ્થળાંતર કરી દેવાયું છે. આજે બાકીના તમામ લોકોનું સ્થળાંતર કરવામાં આવશે તેમજ 138 જેટલી સગર્ભા મહિલાઓ માટે હોસ્પિટલોમાં વ્યવસ્થા કરાઈ છે.

બેઠકમાં તમામ અધિકારીઓ ઉપસ્થિત

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, એસ.પી. નિતેશ પાંડેય, ડી.વાય.એસ.પી. સમીર સારડા, પ્રાંત અધિકારી પાર્થ કોટડિયા અને પાર્થ તલસાણીયા, મામલતદાર, નગરપાલિકા ચીફ ઓફિસર સહિત સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડું પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં છે. 15 જૂનની બપોર સુધીમાં વાવાઝોડું ગુજરાતના માંડવીમાં પહોંચી શકે છે.ગુજરાતની પરિસ્થિતિને લઈને સતત PMOમાં મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. તો વાવઝોડાના ખતરાને લઈ પરિસ્થિતિનો તાગ મેળવવા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ મંડવીયા આજે ભૂજ આવશે. CM ભૂપેન્દ્ર પટેલ પણ સતત અધિકારીઓ પાસેથી વાવાઝોડાની અપડેટ મેળવી રહ્યા છે.

 હર્ષ સંઘવીએ લોકોને કરી અપીલ

તેમણે કહ્યું કે વાવાઝોડું આવે ત્યારે એકસાથે 30થી 40 લોકો એક જ નંબર પર કોલ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ સસ્તા અનાજની સરકારની દુકાનોમાં પર્યાપ્ત સામગ્રી પહોંચાડવામાં આવી છે. હર્ષ સંઘવીએ લોકોને દ્વારકાનો પ્રવાસ ટાળવા પણ અપીલ કરી છે. તેમજ ફોટા પાડવા અને સ્થિતિ જાણવા દરિયાકિનારે ન જવા લોકોને અપીલ કરી છે.બિપરજોય વાવાઝોડાને લઈ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠના વિસ્તારોને એલર્ટ રહેવા હવામાન લિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે.સરકારી દવાખાનામાં અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે અને કોઈ વીજપોલ ધરાશાયી થાય તો ત્વરિત વીજપોલ ઊભો કરી વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે પણ વીજ તંત્રને જણાવ્યું હતું.