સુરત: હજીરાના કાંઠા વિસ્તાર અને ઉમરપાડાના કોટવાળિયા સમાજની બહેનોએ અમદાવાદ અને સુરતમાં પોતાની હસ્તકળાનું પ્રદર્શન કર્યું. તેમણે અદાણી ફાઉન્ડેશનના સહયોગથી યોજાયેલા આ બે મેળામાં બહેનોએ પોતાની હસ્તકળાના નમૂના વેચીને બહેનોએ સારી આવક મેળવી છે.
અદાણી ફાઉન્ડેશનના ઉપક્રમે ભારતની વિવિધ કલા અને સમૃધ્ધ શિલ્પ સ્થાપત્યના વારસાને ઉજાગર કરતો ’સથવારો’ મેળો અમદાવાદમાં અદાણી શાંતિગ્રામ ખાતે આવેલી બેલ્વેડેરે ગોલ્ફ એન્ડ કાઉન્ટી ક્લબમાં યોજાયો હતો. એ પછી સુરતમાં સ્નેહ સંકુલ વાડી ખાતે સર્વોદય મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત બંને મેળામાં અદાણી ફાઉન્ડેશન, હજીરાના સહયોગથી વાંસવા, દામકા, બરબોધન, અંભેટા અને ઉમરપાડાના સાદરાપાણીના પાંચ મહિલા સ્વસહાય જૂથોએ પોતાની હસ્તકળાના નમૂના વેચાણ કરીને બહુ સારી આવક મેળવી હતી. અમદાવાદ ખાતે બહેનોના સ્ટોલ ઉપરથી અદાણી પરિવાર અને અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ.પ્રીતિબેન અદાણીએ પણ મુલાકાત લઈને ખરીદી કરી હતી.ચણિયાચોળી, ફેબ્રિક જ્વેલરી, ઓક્સિડાઇઝ્ડ જ્વેલરી, મીણબત્તીઓ, કોસ્ચ્યુમ જ્વેલરી અને વાંસની બનાવટના કલાત્મક નમૂના પ્રદર્શિત કર્યા હતા. આ સ્વસહાય જૂથોને ગ્રાહકો સાથે સીધો સંપર્ક અને વેપાર વધારવાનો અનોખો અવસર મળ્યો, તેમની કલા રજૂ કરવાની અને વેચાણ કરવાની તક મળી હતી. અદાણી ફાઉન્ડેશનના સહયોગથી, આ મહિલાઓના આત્મવિશ્વાસમાં વધારો થયો અને તેમણે પેકેજિંગ, માર્કેટિંગ, કિંમતો અને પ્રોડક્ટની પ્રેઝન્ટેશન અંગેની નવી શીખ મેળવી.પ્રદર્શનમાં ભાગ લેનારી બહેનોના આ સ્વસહાય જૂથોએ બે લાખથી વધુનું વેચાણ કરીને દિવાળી પહેલા જ સારી આવક મેળવી છે. આ કાર્યક્રમ સ્થાનિક હસ્તકલા ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવાની દિશામાં મક્કમ પગલું છે, જેનાથી સ્વસહાય જૂથોને વધુ તક મળતી રહેશે અને તેઓની આર્થિક સ્થિતિ મજબૂત બનશે.