હમાસે 3 ઇઝરાયલી મહિલા બંધકોને મુક્ત કરી, 471 દિવસ પછી ઘર વાપસી

ઇઝરાયલ: ગાઝા પટ્ટીમાં બંધકોને મુક્ત કરવા માટે યુદ્ધવિરામ અમલમાં આવ્યા બાદ હમાસ દ્વારા ત્રણ ઇઝરાયલી બંધકો – રોમી ગોનેન, એમિલી દામારી અને ડોરોન સ્ટેઇનબ્રેચરને મુક્ત કરવામાં આવ્યા છે. હમાસે આ ત્રણ બંધકોને ઇઝરાયલી સંગઠન રેડ ક્રોસને સોંપી દીધા છે. હમાસ દ્વારા પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. બંધકોની મુક્તિ બાદ એક નિવેદનમાં, યુએસ પ્રમુખ જો બાઇડને કહ્યું: “આજે, ગાઝામાં બંદૂકો શાંત થઈ ગઈ છે.”

આ તસવીરોમાં, ઇઝરાયેલી બંધકો રોમી ગોનેન, એમિલી દામારી અને ડોરોન સ્ટેઇનબ્રેચરને કોઈની મદદ વગર ચાલતા જોઈ શકાય છે. હમાસે એ પણ પુષ્ટિ આપી છે કે ત્રણ મહિલા બંધકોને પશ્ચિમ ગાઝા શહેરના અલ-સરાયા સ્ક્વેર ખાતે રેડ ક્રોસને સત્તાવાર રીતે સોંપવામાં આવી હતી. આ ત્યારે બન્યું જ્યારે રેડ ક્રોસના એક સભ્ય હમાસના લડવૈયાઓને મળ્યા અને બંધકોના સ્વાસ્થ્ય અંગે ખાતરી મેળવી.

ઇઝરાયલી બંધકની મુક્તિ પછી, યુએસ રાષ્ટ્રપતિ જો બિડેને એક નિવેદનમાં કહ્યું, “ગાઝા યુદ્ધવિરામ કરાર સફળ રહ્યો છે. સેંકડો સહાય ટ્રકો ગાઝામાં પ્રવેશી રહી છે. આટલા બધા દુ:ખ અને વિનાશ પછી, આજે ગાઝામાં બંદૂકો શાંત છે.” આપણે મધ્ય પૂર્વમાં કોઈ મોટા યુદ્ધ વિના અહીં પહોંચ્યા છીએ, જેની ઘણા લોકોએ આગાહી કરી હતી. હવે ગાઝા કરારને અમલમાં મૂકવાની જવાબદારી ટ્રમ્પ વહીવટીતંત્રની છે. હમાસના ફરીથી સંગઠિત થવાની કોઈ ચિંતા નથી.

ત્રણ બંધકોના બદલામાં 90 પેલેસ્ટિનિયનોને મુક્ત કરાશે

આ મુક્તિના બદલામાં, 90 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાની યોજના છે. આ કેદીઓમાં 69 મહિલાઓનો સમાવેશ થાય છે. સૌથી નાનો કેદી મહમૂદ અલીવત છે, જે ફક્ત 15 વર્ષનો છે. મુક્ત કરાયેલા લોકોમાં પોપ્યુલર ફ્રન્ટ ફોર ધ લિબરેશન ઓફ પેલેસ્ટાઇન (PFLP) ના 62 વર્ષીય અગ્રણી સભ્ય ખાલિદા જરારનો સમાવેશ થાય છે. જેમને અહિંસક રાજકીય વિરોધ પર ઇઝરાયલના કડક કાર્યવાહીના ભાગ રૂપે વારંવાર ધરપકડ કરવામાં આવી છે. હમાસના ભૂતપૂર્વ નેતા સાલેહ અરોરીની બહેન દલાલ ખાસીબને પણ મુક્ત કરવામાં આવશે. જાન્યુઆરી 2024 માં, દક્ષિણ બેરૂતમાં ઇઝરાયલી હુમલામાં તેમના ભાઈનું મોત થયું. 2001માં ઇઝરાયલી પ્રવાસન મંત્રી રેહવમ ઝી’વની હત્યાનો આદેશ આપનાર અને 30 વર્ષની સજા ભોગવી રહેલા પી.એફ.એલ.પી. નેતા અહેમદ સાદતની પત્ની 68 વર્ષીય અબલા અબ્દુલરસુલને મુક્ત કરવામાં આવશે.