ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આગામી 11 માર્ચથી શરૂ થવાની છે. ત્યારે પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓને અગવડતા ન થાય તે માટે જિલ્લા કલેકટરની સૂચનાના આધારે સ્થાનિક તંત્ર સાથે સંકલનમાં રહીને વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર પહોંચવામાં અગવડતા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ અંગે ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી અને સ્થળ સંચાલકોની બેઠક મળી હતી. જેમાં વિગતવાર ચર્ચા કરી જરૂરી સૂચન આપવામાં આવ્યા હતા.તે ઉપરાંત વિદ્યાર્થીઓ આજથી હોલ ટિકીટ મેળવી શકશે. શિક્ષણ બોર્ડ દ્વારા આજે યાદી જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ આજથી બોર્ડની વેબસાઈટ પરથી હોલ ટિકીટ ડાઉનલોડ કરી શકશે.
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા સ્થળ સંચાલકોની એક મહત્વની બેઠક મળી હતી. જેમાં પરીક્ષાના આયોજન સંદર્ભે મહત્વપૂર્ણ સૂચનાઓ સંચાલકોને આપવામાં આવી હતી. અમદાવાદ જિલ્લા ગ્રામીણ વિસ્તારની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા સ્કૂલોને ખાસ તાકિદ કરવામાં આવી છે. કચેરી મારફતે સૂચના અપાઇ છે કે, જેતે સ્કૂલની આસપાસ રસ્તાનું સમારકામ ચાલી રહ્યું હોય અથવા તો અન્ય બાંધકામ સંબંધિત કામ ચાલતું હોય, અથવા તો રસ્તો બંધ હોય તેવી સ્થિતિમાં સ્કૂલ દ્વારા સ્થાનિક તંત્ર સાથે મળીને વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે.