જ્ઞાન પ્રકાશ સ્વામીએ વીરપુરના જલારામ બાપાની માગી માફી

રાજકોટઃ સુરતના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલા સંત  જલારામ બાપા વિશે બફાટથી ભક્તોમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો હતો. જેથી હવે જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપુર જલારામ મંદિરમાં આવીને માફી માગી છે.

સુરતના અમરોલીના જ્ઞાનપ્રકાશ સ્વામીએ પૂજ્ય જલારામ બાપા વિશે કરેલી ટિપ્પણીથી રઘુવંશી સમાજ તેમ જ જલારામ બાપાના ભક્તોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ વિવાદ વકરતાં જલારામ બાપા અંગે ટિપ્પણી કરનારા સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ આખરે વીરપુર આવી માફી માગી છે. ભક્તો અને રઘુવંશી સમાજના રોષ સામે આખરે આ સ્વામી ઝૂક્યા છે અને વીરપુરના મંદિરમાં આવી માથું ટેકવી માફી માગી લીઘી છે.

જ્ઞાનપ્રકાશ સ્વામી પોલીસ બંદોબસ્ત સાથે જલારામ બાપાના મંદિરે પહોંચ્યા હતા. મંદિરના પાછળના ભાગેથી કાળા કાચવાળી કારમાં આવી માફી માગી સ્વામી રવાના થયા હતા. સ્વામીએ અગાઉ વિડિયો જાહેર કરીને પણ માફી માગી હતી, તેમ છતા લોકોનો આક્રોશ સમ્યો ન હતો, જેથી વીરપુર આવી તેમણે માફી માગી છે. સ્વામી નંબર પ્લેટ વગરની કાળા કલરની એક કારમાં આવ્યા હતા અને માફી માગી મંદિરના પાછળના દરવાજેથી જ રવાના થઈ ગયા હતા.

જોકે લોહાણા સમાજના કેટલાક અગ્રણીઓનું કહેવું છે કે આવા લોકોને જે તે સ્વામિનારાયણ સંસ્થાએ તેમની સંસ્થામાંથી દૂર કરવા જોઈએ. રઘુવંશી સમાજ અને ભક્તોના આક્રોશ સામે સ્વામી ઝૂક્યા અને આખરે માફી માગી છે. હવે જોવાનું એ રહેશે કે માફી બાદ ભક્તોનો કે રઘુવંશી સમાજનો ગુસ્સો શાંત પડે છે કે કેમ?