મુંબઈ: ગુજરાતના ગૌરવ સમાન ગાયક અને જાણીતા સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન થઈ ગયું છે. તેમણે મુંબઈ ખાતેના નિવાસ્થાને અંતિમ શ્વાસ લીધા છે. 90 વર્ષની ઉંમરે અવસાન થતાં લાખો સંગીત રસિકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. વર્ષ 2017માં તેમને ‘પદ્મશ્રી’ ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યા હતા. ગુજરાતી સુગમ સંગીતના આ સૌથી વરિષ્ઠ કલાકારે વીસ ફિલ્મો તથા ત્રીસ ઉપરાંત નાટકોમાં સંગીત આપ્યું હતું. તેમણે સંગીતબદ્ધ કરેલાં ગુજરાતી ગીતો ભારતના સીમાડા વટાવી વિશ્વના ખૂણે-ખૂણે વસેલા ગુજરાતીઓના હૃદય સુધી પહોંચ્યા છે. 15 ઑગસ્ટ, 1934માં ખેડાના ઉત્તરસંડામાં જન્મેલા પુરુષોત્તમ ઉપાધ્યાયને નાનપણથી સંગીત સાંભળવાનો અને ગાવાનો શોખ હતો. સ્કૂલ દરમિયાન તેમને સંગીતમાં અનેક અવૉર્ડ્સ મળ્યા. તેમને ભણવા કરતાં સંગીતમાં વધુ રસ હતો એટલે પરિવારમાં કોઈને કહ્યા વગર સંગીતમાં કરિયર બનાવવા મુંબઈ જતા રહ્યા. જોકે, ત્યાં એટલું પ્રોત્સાહન ના મળતા વતન પાછા આવ્યા હતા. એક્ટર અશરફખાનની હાજરીમાં નૂરજહાંએ ગાયેલું એક ગીત ગાવાની તક મળી અને આ ક્ષણ તેમના જીવનમાં ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ. થોડા સમય બાદ ફરીથી મુંબઈ ગયા ને નાનું-મોટું કામ મળવા લાગ્યું.
ગુજરાતી સુગમ સંગીત ઉપરાંત ગઝલ-ગાયનમાં પુરૂષોત્તમ ઉપાધ્યાય લોકપ્રિય થયા. બોલિવૂડના જાણીતા સંગીતકાર કલ્યાણજી–આણંદજી સાથે પણ તેમણે મ્યૂઝિક આપ્યુ હતુ. બેગમ અખ્તર, લતા મંગેશકર, મોહમ્મદ રફી, મુકેશ, આશા ભોંસલે, મહેન્દ્ર કપૂર જેવાં ઉચ્ચ કોટીના ગાયકો પાસે પુરૂષોત્તમ ઉપાધ્યાયે પોતે સ્વરાંકન કરેલાં ગુજરાતી ગીતો ગવડાવ્યાં છે.