મુંબઈ: ગુજરાતી સાહિત્ય પરિષદ અને મુંબઈ સ્થિત સાહિત્ય-ભાષાલક્ષી વિવિધ સંસ્થાઓ સાથે મળી નિયમિત કાર્યક્રમો યોજતી રહે તે દિશામાં તૈયારી શરૂ થઈ છે. 10મી માર્ચે કાંદિવલીની KES સંસ્થાના ટી. પી. ભાટીયા કોલેજના કોન્ફરન્સ હોલમાં એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈ આવેલા ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હર્ષદ ત્રિવેદી સાથે કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (KES) દ્રારા સ્થાપિત ગુજરાતી ભાષાભવને એક વિશષ અનુબંધ મિટીંગનું આયોજન કર્યુ હતું. જેમાં બે પ્રદેશને સાહિત્યલક્ષી વિવિધ આયોજન દ્વારા નજીક લાવવાનો એક વિશેષ ઉપક્રમ ગોઠવવામાં આવ્યો હતો. ભાષા ભવનના અધ્યક્ષ અને સુવિખ્યાત સાહિત્યકાર ડો. દિનકર જોષીએ કેટલીક સાહિત્ય સંસ્થાઓના મુખ્ય આયોજકોને બોલાવીને આવનારા સમયમાં ગુજરાતી સાહિત્ય પરિષદ (અમદાવાદ) અને મુંબઈની સાહિત્ય સંસ્થાઓ સાથે મળીને કઈ રીતે કાર્ય કરી શકે તે અંગેની વિચાર ગોષ્ઠી યોજી હતી.
મિટીંગમાં ડો. દિનકર જોષી ઉપરાંત ડો. સેજલ શાહ (પરિષદના મંત્રી), ભાષા ભવન તરફથી કીર્તિ શાહ, જયેશ ચિતલિયા, પ્રગતિ મિત્ર અને હિતવર્ધક મંડળ તરફથી અનંતરાય મહેતા, વસંત શાહ, ઝરુખો સંસ્થા તરફથી સંજય પંડ્યા, પ્રતિમા પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સાહિત્યપ્રેમીઓમાં ડો.પ્રદીપ સંઘવી, રાજેશ ભાયાણી, ઉદય શાહ, સોનલ કાંટાવાલા, દિપ્તી રાઠોડ, મહેશ ગાંધી, વગેરે ઉપસ્થિત રહયા હતા.
આ મિટીંગમાં મુંબઈ વતી પોતાની લાગણી વ્યક્ત કરતા ડો.સેજલ શાહે કહ્યું હતું કે ગુજરાતી સાહિત્ય પરિષદ માત્ર અમદાવાદ અને ગુજરાત પૂરતી હોય તેમ અનુભવાય છે, આ જોડાણ કઈ રીતે ગાઢ બને અને તેને માટે શું કરી શકાય, તે જોવું જોઈએ.
જેના પ્રત્યુત્તરમાં પરિષદના પ્રમુખ હર્ષદ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, મુંબઈમાં સાહિત્યના કાર્યક્રમ કરવા માટે સહુને એક રૂપરેખા બનાવવાનો હું અનુરોધ કરું છું. ગુજરાતી સાહિત્ય પરિષદ જ્યાં જ્યાં ગુજરાતી વસે ત્યાં પોતાનું જોડાણ કરી સાહિત્ય સેતૂ વધુ મજબુત અને વ્યાપક બનાવે એનાથી ઉત્તમ શું હોઈ શકે, એવો ભાવ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.આ મિટીંગ બાદ હર્ષદભાઈ ત્રિવેદી અને દિનકરભાઈ જોષીએ પરિવર્તન પુસ્તકાલયની મુલાકાત લીધી હતી. લોકો વાંચતા નથી એવી બૂમરાણ વચ્ચે અહી વાચકો અને પુસ્તકોની ભરપૂર સંખ્યા જોઇને આનંદ વ્યક્ત કર્યો હતો.