શ્રી પુના ગુજરાતી બંધુ સમાજ દ્વારા આધુનિક સુવિધા સાથે ગુજરાતી ભવનનું થશે નિર્માણ

મુંબઈ: મહારાષ્ટ્રની સંસ્કારી નગરી પૂનામાં છેલ્લા 111 વર્ષથી શ્રી પુના ગુજરાતી બંધુ સમાજ સંગઠન કાર્યરત છે. જે હંમેશાં ત્યાં વસેલા ગુજરાતીઓ માટે પરોપકારી પ્રવૃત્તિ કરતું આવ્યું છે. હવે આ સગંઠન પુનાના ગુજરાતીઓને એક મોટી ભેટ આપવાની તૈયારીમાં છે. શ્રી પુના ગુજરાતી બંધુ સમાજે આધુનિક ગુજરાતી ભવન અને સ્પોટ્સ એન્ડ કન્વેન્શન સેન્ટરનું નિર્માણ કર્યુ છે. જેનું વાસ્તુ પૂજન દિવાળીના પાવન અવસર પર કરવામાં આવશે.

શ્રી પૂના ગુજરાતી બંધુ સમાજના જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી નૈનેશ નંદુએ ચિત્રલેખા ડૉટ કૉમ સાથે કરતા જણાવ્યું કે ‘પુનાના ગુજરાતીઓએ 1913માં આ સંગઠનની સ્થાપના કરી હતી. વર્ષ 1986માં સંગઠને છ એકર જમીન ખરીદી હતી. તે જમીનનો ઉપયોગ ગુજરાતી સમાજ માટે કેવી રીતે કરી શકાય તે દિશામાં ખુબ જ મંથન થયું અને અંતે ગુજરાતી ભવનના નિર્માણનો સંકલ્પ કર્યો. ગુજરાતના તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 2013માં તેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી સમાજ માટે જમીન ખરીદનારોના નામની વાત કરીએ તો મારા પિતા મૂળજીભાઈ નંદુ, ડાયાલાલ શાહ અને સુરતવાલા સહિત કેટલાકના નામને સામેલ કરી શકાય.પહેલા આ જમીન પર વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બનાવવાનો વિચાર હતો. પરંતુ બાદમાં તે વિચાર પર કંઈ કામ થયું નહીં અને આખરે સંકુલ તથા ગુજરાતી ભવનના નિર્માણનો નિર્ણય કર્યો.’

ગુજરાતી ભવનનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. દિવાળીના પાવન અવસરે તેનું વાસ્તુ પૂજન થશે. ઈમારત છ માળની બનાવવામાં આવી છે. જેમાં જયરાજ સ્પોટ્સ એન્ડ કન્વેન્સન સેન્ટર પણ છે. 2 લાખ 20 હજાર ચો.ફૂટમાં ફેલાયેલુ ગુજરાતી ભવન આધુનિક સુવિધાથી સજ્જ છે. સ્પોટ્સ સેન્ટરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા સાથે બૅડમિન્ટન કોર્ટ, ટેબલ ટેનિલ કોર્ટ, બિલિયર્ડ રૂમ અને જિમ્નેશિયમ એરિયા તૈયાર કરવામાં આવ્યા છે. આ સિવાય સ્વિમિંગ પૂલ, બેન્ક્વેટ હૉલ, વિવિધ ફેન્સી ફૂડ ધરાવતી રોસ્ટોરન્ટ, ગુજરાતી ફૂડ એન્ડ સ્નેક્સ માટે એક અલગ ફૂડ કોર્ટ, મિની થિયેટર, સ્પા,લાઈબ્રેરી (અંગ્રેજી-ગુજરાતી), કોન્ફરન્સ રૂમ, સલૉન, ગેસ્ટ રૂમ અને સ્યુટ્સ સહિતની મોર્ડન સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સાથે જ 250 કાર માટે પાર્કિંગ વિસ્તાર છે. ઉપરાંત વૉટરફોલ કેફે અને ઓપન એર ગાર્ડન રેસ્ટોરન્ટ પણ છે. આમ, તમામ મોર્ડન ફેસિલિટિઝ સાથે ભવનનું અદ્ભૂત નિર્માણ થયું છે.

ગુજરાતી કેળવણી મંડળ અંતર્ગત એજ્યુકેશન ઈન્સ્ટીટ્યુટ વિશ્વધામ સંકુલ પણ કાર્યરત છે. 2022માં શરૂ કરાયેલા સંકુલમાં એક હજારથી અધિક વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યાં છે અને હવે માર્ચ 2025 સુધીમાં ગુજરાતી ભવન પણ લોકો માટે ખુલ્લું મુકવામાં આવશે. શ્રી ગુજરાતી બંધુ સમાજના પ્રમુખ નીતિન દેસાઈ, ઉપ પ્રમુખ વલ્લભ પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી રાજેશ શાહ અને જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી નૈનેશ નંદુ સહિતની સમ્રગ ટીમ આ કાર્યને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. પુણેમાં આશરે અઢીથી ત્રણ લાખ જેટલા ગુજરાતીઓ વસે છે.જે તમામ લોક આ ભવનનો લાભ ઉઠાવી શકશે.