સિંગાપોરઃ કોરોનાવાઈરસ ચેપી મહામારીનો ફેલાવો રોકવા માટે લાગુ કરાયેલા નિયંત્રણોને ગઈ 26 એપ્રિલે હળવા બનાવાયા ત્યારપછી, બે વર્ષ કરતાંય વધુ સમય પછી, ગઈ 18 મેએ સિંગાપોરમાં મોટાપાયે યોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ મહોત્સવ દુનિયાભરના 100 શહેરોમાં, 100 દિવસો માટે યોજવામાં આવ્યો છે, જેમાં 100 જેટલી સંસ્થાઓ આવતી 21 જૂને આવતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સુધીમાં સહભાગી થશે. 21 જૂનના કાઉન્ટડાઉનમાં 34મો દિવસ સિંગાપોરનો હતો.
સાંજના સમયે ‘આરોગ્ય અને સંવાદિતા માટે યોગા’ વિષય પર એક વાર્તાલાપ કાર્યક્રમનું આયોજન પ્રજ્ઞા યોગા એન્ડ વેલનેસ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ ભારત સરકારના આયુષ મંત્રાલય અને નવી દિલ્હીની મોરારજી દેસાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ યોગાના વૈશ્વિક ઉપક્રમે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમને સિંગાપોરસ્થિત ભારતીય હાઇ કમિશન દ્વારા ટેકો પૂરો પાડવામાં આવ્યો હતો. પ્રિ-ઈવેન્ટ્સનું આયોજન પ્રતિષ્ઠિત સ્થળોએ કરવામાં આવ્યું હતું, જેમ કે, યુનેસ્કો દ્વારા ઘોષિત વિરાસત સ્થળઃ સિંગાપોર બોટનિકલ ગાર્ડન, મેરલિયન ગાર્ડન બાય ધ બૅ અને મરીના બૅ સેન્ડ્સ. આ કાર્યક્રમનું ઉદઘાટન ભારતીય હાઇ કમિશનના જી.વી.વી. સૂર્યાએ કર્યું હતું. આ કાર્યક્રમનો પ્રારંભ ભારતીય હાઇ કમિશનની લોનમાં પ્રજ્ઞા યોગ અને વેલનેસનાં ડિરેક્ટર સુજાતા કૌલગીના નેતૃત્વમાં કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સિંગાપોરના યોગા પ્રેક્ટિશનર્સે ભાગ લીધો હતો. આ યોગા પછી મેડિટેશન (ધ્યાન)નું એક નાનું સેશન યોજવામાં આવ્યું હતું. ત્યાર બાદ અનિદ્રા માટે યોગ પર એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમણે કેટલાંક કીમતી સૂચનો કર્યાં હતાં. આ બધા કાર્યક્રમો જાહેર જનતા માટે હતા અને વૈશ્વિક દર્શકો સુધી પહોંચાડવા માટે એનું લાઇવ સ્ટ્રીમ કરવામાં આવ્યું હતું.
આ યોગ મહોત્સવ કાર્યક્રમ યોજનાર સુજાતા કૌલગી પ્રજ્ઞા યોગ એન્ડ વેલનેસના સંસ્થાપક છે અને તેઓ વૈશ્વિક ઓળખ ધરાવે છે. તેઓ યોગા શિક્ષક તરીકે 20થી વધુ વર્ષોનો અનુભવ ધરાવે છે. તેમણે જાહેર આરોગ્ય અને યોગ તેમ જ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી છે.