કેસર કેરીના વળતર મુદ્દે તાલાલાનાં 45 ગામોમાં બંધનું એલાન

તાલાલાઃ ભારતીય કિસાન સંઘે તાલાલાના 45 ગામોમાં બંધનું એલાન આપ્યું છે. ગીર પંથકમાં ખેડૂતો લડતના મૂડમાં આવી ગયા છ. ગીર પંથકમાં બે વર્ષથી કેસર કેરીનો પાક નિષ્ફળ જતાં કેરીના ઉત્પાદક ખેડૂતોને આર્થિક જબરો ફટકો પડ્યો છે.

તાલાલા તાલુકાના કિસાન સંઘ ઉપરાંત તાલાલા પંથકની 32 ગ્રામ પંચાયતો, 27 સહકારી મંડળી ઉપરાંત તાલાલા માર્કેટિંગ યાર્ડ અને છેલ્લે ગીર પંથકના ધારાસભ્યએ ખેડૂતોને આર્થિક પાયમાલીમાંથી બચાવવા માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી, પરંતુ ખેડૂતોની યોગ્ય માગણી પ્રત્યે સરકારે ઉદાસીનતા દાખવતાં તાલાલા પંથકના કેરીના ઉત્પાદક ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ગયા વર્ષે તાઉતે વાવાઝોડાને કારણે અને આ વખતે ગ્લોબલ વોર્મિંગથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે.

ભારતીય કિસાન સંઘે 26 મેએ તાલાલા તાલુકાનાં 45 ગામોમાં આપેલા બંધના એલાનના સમર્થનમાં તાલાલા શહેરના તમામ સમાજના નાના-મોટા વેપારી ભાઈઓ પણ બપોર બાદ સજ્જડ બંધ પાળી ખેડૂતોને યોગ્ય ન્યાય અપાવવા આ લડતમાં જોડાશે. તાલાલા પંથકના તમામ ગામના કેરીના ઉત્પાદક ખેડૂતો ઉપરાંત શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ-વેપારી ભાઈઓ ગુરુવારે બપોરે માર્કેટિંગ યાર્ડમાં એકત્ર થઈ મામલતદારને આવેદનપત્ર આપવા જશે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]