ગાંધીનગર- જળસંચય કાર્યક્રમને લઇને આજે મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ગાંધીનગરના શેરથા ગામમાં તળાવ ઊંડુ કરવાના કામમાં શ્રમદાન કર્યું હતું.તેમણે જણાવ્યું કે સુજલામ સુફલામ જળ ઝૂંબેશનો લોકસહયોગથી શરૂ થયેલો મહાયજ્ઞ ગુજરાતને પાણીદાર બનાવશે. રુપાણીએ શેરથા ગામે તળાવ ઊંડું કરવાના કામનો પ્રારંભ પોતે જેસીબી મશીન ચલાવીને કરાવ્યો હતો. મુખ્યપ્રધાને આગામી ચોમાસા પહેલાં રાજ્યમાં 13 હજાર જેટલા તળાવો ચેક ડેમ જળાશયો ઊંડા કરવાના તેમ જ રાજ્યની 32 જેટલી નદીઓને પુનઃ જીવિત કરીને અને પરંપરાગત જળ સ્ત્રોતના નવીનીકરણ નવસાધ્યકરણ દ્વારા 11 હજાર લાખ ઘન ફુટથી વધુ વરસાદી પાણીના સંગ્રહના આયોજનમાં જનશક્તિને જોડાઈ જવા આહવાન કર્યું હતું.
ગાંધીનગર જિલ્લામાં આ કાર્યક્રમ દરમિયાન 138 તળાવો ઊંડા ઉતારવાના કામ, 40 ખેતતલાવડીના કામ અને ખારી નદી પુનઃ જીવિત કરવાના કામ 138 જેસીબી અને 79 ડમ્પર ટ્રેક્ટરના ઉપયોગથી હાથ ધરાવાનાં છે.