અમદાવાદ– પશ્ચિમ રેલવે દ્વારા ફેબ્રુઆરી 2018માં વગર ટિકીટે મુસાફરી કરી રહેલાં પ્રવાસીઓને ઝડપવા ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં બૂક કર્યા વિના સામાનના તેમ જ ખુદાબક્ષ મુસાફરીના લગભગ 2 લાખ 44 હજાર કેસ પકડાયાં હતાં. આ કેસોમાં કુલ રુપિયા 10.96 કરોડ રુપિયા દંડ તરીકે વસૂલવામાં આવ્યાં હતાં. આ રકમ ગત વર્ષના આ સમયગાળા કરતાં 48.88 ટકા વધુ છે.
આ ઝૂંબેશમાં ભીખારીઓ અને અનધિકૃત ફેરિયાઓને રેલ સંકુલની બહાર કાઢીને દંડ વસૂલવામાં આવ્યો હતો તેમ જ 95 વ્યક્તિઓને જેલભેગા કરવામાં આવ્યાં હતાં. પીઆરઓ રવીન્દ્ર ભાકરે જણાવ્યાં પ્રમાણે રેલવે દ્વારા કરાયેલી આ ઝૂંબેશમાં દલાલો અને અસામાજિક તત્વો વિરુદ્ધ 235 કેસમાં તપાસ કરવામાં આવી હતી જેમાં 182 વ્યક્તિઓને પકડીને રેલ અધિનિયમના કાયદાઓ પ્રમાણે દંડ વસૂલવામાં આવ્યો હતો. આ સમયગાળામાં સુરક્ષાદળ દ્વારા 12 વર્ષી વધુની ઉંમરના 49 વિદ્યાર્થીઓને મહિલા કોચમાં મુસાફરી કરતાં પકડી લઇ તેમને કોચમાંથી હટાવવામાં આવ્યાં હતાં.