એ શિક્ષિકાને શાળા છોડીને કેમ દોડવું પડ્યું?

શિક્ષક ચઢે કે માતા…?

આ પ્રશ્નનો ઉત્તર અત્યંત અઘરો છે. એક શિક્ષક સો માતાની ગરજ સારે અને એક માતાની મમતા સામે કદાચ હજારો શિક્ષકો પણ ઓછા પડે. બેશક, એ ચર્ચાનો વિષય હોઈ શકે, પરંતુ જો શિક્ષક મહિલા હોય તો માતા અને શિક્ષકના સમન્વય સમી પ્રતિભા સામે કુદરતની અનેક કઠણાઈઓ કે અપાર દુઃખને પણ નમવું પડે.

ઘટનાક્રમ કંઈક આવો છે…

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાનું ભાત ગામ. ગામની પ્રાથમિક શાળામાં વીરુબહેન સરવૈયા શિક્ષક તરીકે સેવા આપે છે. ઘટના ગયા મહિને બની છે. અમદાવાદ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ હસ્તકની ભાત પ્રાથમિક શાળામાં વીરુબહેન નિત્યક્રમ પ્રમાણે એક સવારે પહોંચ્યાં. તેમને શાળાએ પહોંચાડવાની જવાબદારી તેમના પતિ જયેશભાઈ નિભાવે છે.

વીરુબહેને શાળાએ ઉતારી તેમના પતિ પરત ફરતા હતા ત્યારે વેજલપુર નજીક તેમની નજર એક નવજાત શિશુ પર પડી. જયેશભાઈએ તરત જ પોતાનું બાઇક ઊભી રાખીને આસપાસ નજર કરી અને તપાસ કરી, કોઈ દેખાયું નહીં. બહુ અસમંજસ પછી તેમણે પોતાની શિક્ષિકા પત્નીને ફોન કર્યો.

માતૃપ્રેમ ઊભરાયો

વીરુબહેનનો માતૃપ્રેમ ઊભરાઈ આવ્યો  એક નવજાત શિશુ રોડ પર બિનવારસી પડ્યું હોય એ કલ્પના માત્રથી જ તેમનું હ્દય કલ્પાંત કરવા લાગ્યું. તેઓ ગમે-તેમ કરી સ્થળ પર તેમના પતિ પાસે પહોંચ્યાં. અત્યંત વહાલથી તેમણે તે નવજાત બાળકને ખોળામાં લીધું. કુદરતે પણ મહિલાઓને અપાર સ્નેહશક્તિ આપી છે. વીરુબહેનના ખોળામાં જતાં જ જાણે કે બાળકના ચહેરા પર એક સંતોષની લાગણી થઈ અને હૂંફ મળતાં  આક્રંદ કરતું બાળક જાણે કે સગી માતાનો ખોળો મળ્યો હોય એમ શાંત થઈ ગયું. 

અનાથ આશ્રમમાં બાળકને મોકલી આપ્યું

વીરુબહેન કહે છે કે ‘ મેં સ્થળ પર જઈને બાળકને ખોળામાં લઈ તો લીધું, તેને છોડીને જવાનું મન તો શી રીતે થાય? આસપાસ ફરીથી તપાસ કરી. આવા ફૂલ જેવા બાળકને છોડી જનારના મનમાં કદાચ રામ વસે કે તેનો અંતરાત્મા જાગી જાય અને તેને લેવા આવે તો?  એવી આશાએ હું અને મારા પતિ ક્યાંય સુધી બેસી રહ્યાં, પણ અમારી આશા ઠગારી નીવડી. કોઈ આવ્યું નહીં, એટલે અમે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી. જે કંઈ કાયદાકીય પ્રક્રિયા કરવાની હતી એ કરીને બાળકને શ્રેયસ ક્રોસિંગ પાસે શારદા મંદિર રોડ પર આવેલા અનાથ આશ્રમમાં ભારે હૈયે તે બાળકને મોકલી આપ્યું, એમ તેમણે કહ્યું હતું.

આજે પરિસ્થિતિ એવી છે કે, કોઈ રોડ પર અકસ્માત થાય કે અન્ય ઘટના બને તો લોકો મોબાઈલ પર શૂટિંગ કરીને સોશિયલ મિડિયા પર અપલોડ કરવામાં લાગી જાય છે, પરંતુ ક્યાંક વીરુબહેન જેવા લોકો પણ છે કે જે આવા ફૂલ જેવા બાળકને માતાનો પ્રેમ આપવા દોડી જાય છે. આવું કદાચ એક માતા કે શિક્ષક જ કરી શકે.

સમાજની કામગીરી પણ કંઈક અલગ જ છે. કંઈકેટલાય લોકો પોતાને બાળક થાય એ માટે જાતજાતની બાધા-આખડી રાખતા હોય છે અને ક્યાંક એવા પણ હોય છે કે પોતાની કોઈ મજબૂરી છુપાવવા આવા ફૂલ જેવા બાળકને રસ્તે રઝળતું મુકીને જતા રહે છે, પણ વીરુબહેન જેવી માતાઓ છે ત્યાં સુધી આવાં બાળકોને કંઈ નહી થાય…!

ધન્ય છે, આવી જનેતાઓને.