રૂપાણી સરકારે યુવાનો માટે સરકારી વિભાગોમાં રોજગારીની નવી તકો ખોલી

અમદાવાદઃ રાજ્ય સહિત વિશ્વમાં કોરાનાને કારણે મંદી પ્રવર્તી રહી છે. દેશમાં ખાનગી સાથે સરકારી નોકરીઓમાં ભરતી સ્થગિત કરવામાં આવી છે ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ યુવાનો માટે સારા સમાચાર આપ્યા  છે. તેમણે સરકારી પદોએ પસંદ થયેલા ઉમેદાવારોને તાત્કાલિક નિમણૂક પત્રો આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત નવાં પદો પર ભરતીની જાહેરાત કરી છે. તેમણે રાજ્ય સરકારની નોકરીઓમાં ભરતી માટે તાત્કાલિક ધોરણે વરિષ્ઠ અધિકારીઓ GPSC ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, પોલીસ-સામાન્ય વહીવટ વિભાગ, શિક્ષણ વિભાગની ઉચ્ચ સ્તરીય બેઠકમાં મહત્વના આદેશો આપ્યા છે.

તેમણે સરકારના વિવિધ વિભાગોમાં પણ તાત્કાલિક સમયબદ્ધ ભરતી પ્રક્રિયા શરૂ કરવા સૂચનાઓ આપી છે. ઉચ્ચ સ્તરીય બેઠકમાં જે નિર્ણયો લેવામાં આવ્યા છે એ મુજબ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ પરિણામ જાહેરાત થવાના બાકી હતા તેવી ૪૩૦૮ જેટલી જગ્યાઓની સંપૂર્ણ પ્રક્રિયા આગામી ત્રણથી પાંચ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા જે વિવિધ ભરતી એજન્સીઓ, વિભાગો દ્વારા અગાઉ જાહેરાત આપવામાં આવેલી અને પ્રાથમિક પરિક્ષાનો પ્રથમ તબક્કો પૂર્ણ થઇ ગયો હતો, પરંતુ અન્ય તબક્કા બાકી હતા તેવી ૮૦૦૦ જગ્યાઓ માટે બાકી રહેતી પ્રક્રિયાઓ સત્વર પૂરી કરવામાં આવશે.           

આ ઉપરાંત રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ભરતી માટેની જે જગ્યાઓની જાહેરાત થઈ ગઈ છે, પરંતુ પરીક્ષા લેવામાં નથી આવી તેવી ૯૬પ૦ જેટલી જગ્યાઓ માટેની ભરતી પણ જાન્યુઆરી-ર૦ર૧થી શરૂ કરી દેવા તેમણે તાકીદ કરી છે.સરકારના આ યુવા રોજગારલક્ષી નિર્ણયોને પરિણામે રાજ્યના અંદાજે ર૦ હજારથી વધુ યુવાઓને આગામી પાંચ મહિનામાં સરકારી સેવામાં નોકરીની તકો મળતી થશે. મુખ્ય પ્રધાને હવે આ ભરતી પ્રક્રિયાને વધુ સુદ્રઢ અને પરિણામલક્ષી તેમજ સમયસર બનાવી રાજ્યના યુવાધનને કારકિર્દી ઘડતર માટેના ઉત્તમ અવસરો આપ્યા છે.

આ બધી જ ભરતી પ્રક્રિયાઓ સમયબદ્ધ, નિર્ધારિત આયોજન મુજબ પૂર્ણ થાય એ હેતુસર વિવિધ વિભાગો, ભરતી એજન્સીઓ, GPSC, ગૌણ સેવા પસંદગી મંડળ વગેરેને સ્પષ્ટ આદેશો પણ આપ્યા છે.