અમદાવાદ– અંગ્રેજી અક્ષર ‘પી’થી શરૂ થતાં પદ્માવત, પેડમેન, પકોડા અને પીએનબી જ કેમ ચર્ચાસ્પદ બન્યા? આજકાલની યુવાપેઢીનો નવો મંત્ર છેઃ બહેતર ખાવું, બહેતર જીવન જીવવું, બહેતર દેખાવું અને બહેતર ફીલ કરવું. અને આ બધું કરતી વખતે બચતની સહેજ પણ ચિંતા ન કરવી, એમ આઈઆઈએમ-અમદાવાદ એલ્યુમ્નાઈ એસોસિયેશનના પ્રમુખ તેમજ ઈન્ટરફેસ કેપિટલ માર્કેટના સીઈઓ અને સ્થાપક ડિરેક્ટર હિમલ પરીખે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) અને ગુજરાત યુનિવર્સિટી તરફથી સંયુક્તપણે આયોજીત આંતરરાષ્ટ્રીય પરિષદમાં જણાવ્યું હતું.ભારત વર્ષ 2028 સુધીમાં 5000 અબજ ડૉલરનું અર્થતંત્ર ધરાવતો દેશ બનશે અને તેમાં લોકશાહી, ભૌગોલિક પરિસ્થિતિ, માંગ તેમજ ડિજીટલાઈઝેશન મહત્ત્વની ભૂમિકા ભજવશે. જીએસટી, રિયલ એસ્ટેટનો નવો કાયદો અને એવા અન્ય આર્થિક સુધારા, જનધન ખાતા, આધાર કાર્ડ વ્યવસ્થા, મોબાઈલ-ઈન્ટરનેટ-બ્રોડબેન્ડ, મુદ્રા ધિરાણ યોજના, નાદારી અટકાવતો કડક કાયદો વગેરે બાબતો પણ આમાં અગત્યની બની રહેશે. જો કે ઝડપી વિકાસ માટે જે શિસ્ત હોવી જોઈએ તેનો અભાવ વર્તાઈ રહ્યો છે. નહિતર ભારતીય અર્થતંત્રની પ્રગતિની હરણફાળ માટે વિપુલ તકો છે. આપણા દેશે ઝડપી વિકાસ કરવો હોય તો નાણાકીય ક્ષેત્રમાં બહેતર કોર્પોરેટ ગવર્નન્સની આવશ્યકતા છે, એમ હિમલ પરીખે જણાવ્યું હતું.
જીટીયુના પોસ્ટ ગ્રેજ્યુએટ રિસર્ચ સેન્ટર ફોર ગવર્નન્સ સિસ્ટમ્સ તેમજ ગુજરાત યુનિવર્સિટીની બી.કે. સ્કૂલ ઑફ મેનેજમેન્ટના ઉપક્રમે યોજવામાં આવેલી પરિષદમાં પરીખે વિવિધ સૂચનો રજૂ કરતા જણાવ્યું હતું કે બૅન્કોએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે હવે જમાનો બદલાઈ રહ્યો છે. બૅન્કોમાં અસરકારક, કાર્યક્ષમ અને ભરોસાપાત્ર બોર્ડ ઑફ ડિરેક્ટર્સ જ રાખવા જોઈએ. બૅન્કોએ બોર્ડના ચેરમેનની ખાસ ઑફિસ બનાવવી જોઈએ. બૅન્કોએ કોર્પોરેટ નૈતિક મૂલ્યોના જતન માટે આચારસંહિતા ઘડવી જોઈએ. બૅન્કોએ અસરકારક અને સતત કાર્યરત ઓડિટ કમિટી, વળતર કમિટી અને કોર્પોરેટ ગવર્નન્સ કમિટી બનાવવી જોઈએ. બૅન્કોએ જનઉપયોગી માહિતી જાહેર કરતી રહેવી જોઈએ. બૅન્કોએ કોર્પોરેટ ગવર્નન્સની એવી પ્રક્રિયા બનાવવી જોઈએ કે જેનાથી શેરહોલ્ડરોના મૂલ્યમાં વધારો થાય.પરિષદમાં જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ) નવીન શેઠે જણાવ્યું હતું કે સરકાર નાણાકીય સુધારણા માટે મોટાપાયે પગલાં લઈ રહી છે, પણ તેની સાથોસાથ જનતામાં જે સ્વયં શિસ્ત હોવી જોઈએ તેનો અભાવ વર્તાઈ રહ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓએ તે દિશામાં આગેવાની લઈને વિદ્યાર્થીઓમાં સ્વયંશિસ્ત વધે તેના માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવી પડશે. શિક્ષકગણ તે બાબતે વિચારે અને તેના માટે કામ કરે તો દેશના વિકાસમાં મહત્ત્વપૂર્ણ કદમ બની રહેશે. પરિષદમાં પોલેન્ડની યુટીપી યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ્સ વિભાગના વડા પ્રો. (ડૉ) આર્કાડીઝ જેનુઝેવસ્કીએ મેનેજમેન્ટ શિક્ષણના લેટેસ્ટ ટ્રેન્ડ વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે બિઝનેસ સિમ્યુલેશન ગેમ, ડિઝાઈન થિંકીંગ અને ક્રિયેટીવિટી, ટીમ આધારિત જૂથ કેળવણી, બ્લેન્ડેડ લર્નિંગ, ઈ-લર્નિંગ, સોશિયલ અને ડિજીટલ મિડીયાનો શિક્ષણમાં સદુપયોગ અને મોબાઈલ ફોન તથા ટેબ્લેટ મારફતે કેળવણી જેવી બાબતોનો વપરાશ કૂદકેને ભુસકે વધી રહ્યો છે.આ પ્રસંગે આઈઆઈએમ-અમદાવાદ એલ્યુમ્નાઈ એસોસિયેશનના ભૂતપૂર્વ પ્રમુખ અમલ ધ્રુએ જણાવ્યું હતું કે હાલમાં બૅન્કો પાસે રૂ. ૧૦૦ લાખ કરોડની થાપણો છે, પણ તેની સામે રૂ. ૧૦ લાખ કરોડ નોન-પરફોર્મીંગ એસેટ (એનપીએ)ના સ્વરૂપમાં ફસાયેલા પડ્યા છે. આનો અર્થ એવો થયો કે આપણી થાપણોની આશરે દસ ટકા રકમ એનપીએમાં ફસાયેલી છે. એનપીએના જંગી ખડકલા માટે ત્રણ પ્રકારના કૌભાંડો કારણભૂત છેઃ કે.વાય.સી. સંલગ્ન કૌભાંડ, ટેકનોલોજીને લગતા કૌભાંડ અને ધિરાણને લગતા કૌભાંડ. કમ સે કમ રૂ. ૧૦,૦૦૦ કરોડના કૌભાંડો પ્રકાશમાં આવ્યા છે. ભવિષ્યમાં તેમાં વધારો થાય તો નવાઈ નહિ. તેને રોકવા કોર્પોરેટ ગવર્નન્સ, આકરા નીતિનિયમો અને તેની અમલ બજાવણી મહત્ત્વની બની રહેશે. તે ઉપરાંત સમાજમાં નૈતિક મૂલ્યોની ભૂમિકા પણ તેમાં અગત્યની બની રહેશે. પરિષદમાં આદિત્ય બિરલા સન લાઈફના સંસ્થાકીય વડા ભવદીપ ભટ્ટે મ્યુચ્યુઅલ ફંડ વિશે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.