નર્મદાના નીર સતત ઘટતા પાવર હાઉસ બંધ, રોજની 9000 ક્યૂસેક પાણીની જાવક

નર્મદા– સરદાર સરોવર ડેમમાં ભરાયેલાં નર્મદાના નીર સતત ઘટી રહ્યાં છે. નર્મદામાં પાણીની આવક અને જાવકનું પ્રમાણ ક્રમશઃ અસંતુલિત થઇ રહ્યું છે. 500 ક્યૂસેકની આવક સામે રોજે 9000 ક્યૂસેક પાણીની જાવક થઇ રહી છે. જેને લઇને પાણીની સપાટી નીચી ઉતરતાં પાવર હાઉસ બંધ કરવામાં આવ્યાં છે.આજની તારીખે ડેમ સપાટી 110.19 છે અને તેમાં હજુ વધુ ઘટાડો કરવામાં આવી રહ્યો છે.

નર્મદા ડેમની સપાટીમાં દર એક કલાકે 1 સેન્ટિમીટરની સપાટી નીચી જઇ રહી છે. નર્મદા જળ બોર્ડના જણાવ્યાં પ્રમાણે દર એક કલાકે 1 સેન્ટિમીટર સપાટીનો ઘટાડો ડેમના ગોડબોલે ગેટથી  રોજના 605 ક્યૂસેક તેમ જ બે ટર્બાઇનમાં પાણી વપરાશના કારણે થઇ ગયો છે.

17 વર્ષમાં પહેલીવાર સરદાર સરોવરની ઇરિગેશન માટેની બાયપાસ ટનલ-આઈબીપીટીનો વપરાશ કરવામાં આવી રહ્યો છે. કારણ કે 130 મીટર સુધી ભરાઇ ગયેલો ડેમ વધુ વરસાદની આશંકાથી નર્મદાનું ચોમાસુ પાણી આગળ કચ્છના રણમાં વહેવડાવી દેવાયું હતું અને રાજ્યમાં જળસંકટની સ્થિતિ આવી પડી હતી જેને પગલે 88 મીટરની જળસપાટી થાય ત્યાં સુધીના ડેડવોટર ઉપયોગની મંજૂરી લેવામાં આવી છે.31 જુલાઇ સુધી ડેડ સ્ટોરેજનું પાણી રાજ્યમાં પીવાના પાણી પુરવઠા માટે વાપરવામાં આવશે.