છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક ગુજરાતી યુવતીના નામની ચર્ચા ચાલી રહી છે. સોશિયલ મીડિયાના અનેક પ્લેટફોર્મ પર રિદ્ધિ પટેલ હવે જાણીતું નામ બની ગયું છે. ખાસ કરીને આજકાલ ભારતીય અને અમેરિકન મીડિયામાં આ નામનો ઉલ્લેખ વધુ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વિચાર એ આવે કે આખરે આ રિદ્ધિ પટેલ છે કોણ? અને એના નામની આટલી ચર્ચા શા માટે થઈ રહી છે ?
ઇઝરાયલ-ગાઝાના મુદ્દે સમગ્ર વિશ્વમાં દરેકના જુદા-જુદા વિચારો છે. કેટલાક દેશો ગાઝાની તરફેણ કરે છે તો કેટલાક ઈઝરાયેલની તરફેણમાં છે. જ્યારે કેટલાક દેશો તટસ્થ રહે છે. જો અમેરિકી સરકારની વાત કરીએ તો એ ખુલ્લેઆમ ઈઝરાયેલને સમર્થન આપી રહી છે. ત્યારે રિદ્ધિ પટેલે ગાઝામાં યુદ્ધવિરામના પ્રસ્તાવને સમર્થન ન આપવા પર નારાજગી વ્યક્ત કરી હતી.
કોણ છે રિદ્ધિ પટેલ?
બેકર્સફીલ્ડમાં રહેતી 28 વર્ષિય રિદ્ધિ પટેલ પૅલેસ્ટાઇનની સમર્થક છે. એનો જન્મ આ જ શહેરમાં થયો છે અને સ્ટૉકડેલ હાઈ સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ એણે ૨૦૧૭માં સેન્ટ લુઈ યુનિવર્સિટીમાંથી ન્યુરોસાયન્સમાં ગ્રૅજ્યુએશન કર્યું છે. ૨૦૧૯માં એ ફરી આ શહેરમાં આવી હતી. બેકર્સફીલ્ડમાં ઇઝરાયલ સામેનાં વિરોધ-પ્રદર્શનોમાં તે ભાગ લેતી હોય છે. રિદ્ધિ સેન્ટર ફૉર રેસ, પૉવર્ટી ઍન્ડ ધ એન્વાયર્નમેન્ટ સંસ્થામાં ઇકૉનૉમિક ડેવલપમેન્ટ 2020થી કો-ઑર્ડિનેટર છે. આ સંસ્થા ઓછી આવક ધરાવતા લોકોને કાનૂની સહાયતા કરે છે.
શું છે સમગ્ર મામલો?
બેકર્સફિલ્ડ એ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં આવેલું એક શહેર છે. એની સિટી કાઉન્સિલમાં એન્ટિફા એટલે કે ડાબેરી સંગઠનના લોકોએ માંગ કરી હતી કે આ સિટી કાઉન્સિલમાં ઇઝરાયલ વિરુદ્ધ ઠરાવ પસાર કરવામાં આવે. આ અંગે ચર્ચા ચાલી રહી હતી ત્યારે ભાષણો પણ આપવામાં આવી રહ્યા હતા. એ દરમિયાન રિદ્ધિ પટેલ સ્પીચ આપવા આવે છે. એ ગાઝા પેલેસ્ટાઈનની તરફેણમાં વાત કરે છે. ઉપરાંત સિટી કાઉન્સિલમાં બેઠેલા મેયર અને અન્ય પ્રતિનિધિઓને ધમકી આપી કે, ‘જો તમે ઇઝરાયેલની નિંદા નહીં કરો તો હું તમને મારી નાખીશ.’ તમે લોકો પેલેસ્ટાઈન વિશે વિચારતા નથી. રિદ્ધિના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
રિદ્ધિએ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે ‘હું આશા રાખું છું કે એક દિવસ કોઈ ગિલોટીન લાવશે અને તમને બધાને મારી નાખશે.’ (ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન, જે વસ્તુથી અમુક વર્ગના લોકોને જાહેરમાં મારવામાં આવ્યા હતા તેને ગિલોટિન કહેવામાં આવે છે.) રિદ્ધિએ નવરાત્રિને અત્યાચાર પર વિજયનો તહેવાર ગણાવ્યો હતો. ઉપરાંત, સિટી કાઉન્સિલના સભ્યોને ધમકી આપતા પહેલા, એણે મહાત્મા ગાંધી અને ઈસુ ખ્રિસ્તનો પણ ઉલ્લેખ કર્યો હતો. અને તમામ સભ્યોને ધમકી આપી હતી.
આ ભાષણ બાદ રિદ્ધિ પટેલને કસ્ટડીમાં લેવામાં આવી હતી. કાઉન્સિલ મેયરે પોલીસને રિદ્ધિ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. એના પર 16 કાઉન્ટનો આરોપ મૂકવામાં આવ્યો છે. અને ધમકીઓના માધ્યમથી આતંક ફેલાવવાના ઈરાદાના આઠ ગુનાઓની શંકાના આધારે એને જેલમાં ધકેલી દેવામાં આવી છે. હવે રિદ્ધિને આગામી 16, 24 અને 25 એપ્રિલે કોર્ટમાં ફરી રજૂ કરવામાં આવશે.