સાબરકાંઠાઃ તમે આજકાલ સરપંચથી માંડીને પ્રધાન સુધીની દરેક વ્યક્તિ પાસે ગાડીઓ જોઈ હશે. કેટલાક વિધાનસભ્યોની પાસે લક્ઝરી કારો પણ હોય છે. કેટલાક વિધાનસભ્યોને લાખો રૂપિયાના પેન્શન પણ ઓછું લાગી રહ્યું છે. રાજ્યના ભૂતપૂર્વ વિધાનસભ્ય જેઠાભાઈ રાઠોડની દયનીય હાલત જોઈને તમે દંગ રહી જશો. તેમને ના પેન્શન મળી રહ્યું છે અને સરકાર તરફથી કોઈ આર્થિક મદદ મળી રહી છે.
રાજ્યના સાબરકાંઠા જિલ્લાના ટેબડાના રહેવાસી જેઠાભાઈ રાઠોડે 1967માં ખેડબ્રહ્મા વિધાનસભામાં કોંગ્રેસની સામે અપક્ષ ઉમેદવાર તરીકે 17,000 મતોથી જીત હાંસલ કરી હતી. તેમણે એ વખતે સાઇકલ પર ચૂંટણીપ્રચાર કર્યો હતો. લોકો કહેતા કે જેઠાભાઈ એ સમયે ખેડબ્રહ્માથી ગાંધીનગર સરકારી બસમાં જતા હતા. પાંચ વર્ષથી સ્થાનિક વિસ્તારો સહિત વિધાનસભામાં સાઇકલ યાત્રા કરનારા વિધાનસભ્ય જનતાના સુખદુઃખમાં ભાગીદાર બન્યા, પણ તેમને સરકાર તરફથી હાલ કોઈ મદદ નથી મળી રહી.
જેઠાભાઈ પેન્શન માટે કોર્ટમાં ન્યાય માગ્યો હતો. કોર્ટે પણ તેમની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. તેમ છતાં સેમને આજ સુધી પેન્શન નથી મળ્યું. જેઠાભાઈના પાંચ પુત્ર અને તેમનો પરિવાર છે. જે મજૂરી કરીને જીવન વ્યતીત કરે છે. તેમનો પરિવાર BPL રેશન કાર્ડને સહારે જીવન જીવવા મજબૂર છે. લોકોનું કહેવું છે કે જે દુઃખના દિવસોમાં જનતાના તેમણે આંસુ લૂછ્યા, પણ તેમના આંસુ લૂછવાવાળું હાલ કોઈ નથી. હવે પરિવાર સરકાર પાસે મદદ માગી રહ્યો છે.