SOUમાં બે દિવસીય ખેલકૂદની ‘રાષ્ટ્રીય પરિષદ’નો શુભારંભ

અમદાવાદઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ટેન્ટ સિટીમાં કેન્દ્રીય રમતગમત અને યુવા સેવાઓ વિભાગના પ્રધાન અનુરાગ ઠાકુર અને રાજ્યપ્રધાન નિશિથ પ્રમાણિકની ઉપસ્થિતિમાં યુવા બાબતો અને રમતગમતના વિષય પર દેશની સૌપ્રથમ બે દિવસીય ‘રાષ્ટ્રીય પરિષદ’નો પ્રારંભ થયો છે.

દેશના વિવિધ રાજ્યોના ખેલપ્રધાનો, સચિવો અને ઉચ્ચાધિકારીઓ આ રાષ્ટ્રીય પરિષદમાં ભાગ લઈ રહ્યા છે. બે દિવસીય ચાલનારી આ પરિષદમાં સ્પોર્ટ્સ અને યુવા બાબતોને લગતા અલગ-અલગ વિષયો પર વક્તવ્યો અને પ્રેઝન્ટેશન્સ રજૂ થવાનાં છે.

આ રાષ્ટ્રીય પરિષદમાં દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લી મૂક્યા બાદ અધ્યક્ષસ્થાનેથી સંબોધતાં સ્પોર્ટ્સપ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે રમત-ગમત એટલે દેશભક્તિ જાગ્રત કરવાનું ઉત્તમ માધ્યમ છે અને યુવા અને ખેલની તાકાત એ છે કે તેઓ સરહદની બહાર પણ મેડલ જીતીને ભારતનો ધ્વજ લહેરાવીને આવે છે.

રાજ્યના રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિકપ્રધાન હર્ષ સંઘવીએ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા-એકતા નગરીમાં સૌને આવકારતાં જણાવ્યું હતું કે દેશમાં સૌપ્રથમ વાર યુવા બાબતો અને રમતગમતના વિષય પર અને એ પણ એકતા અને અખંડિતતાની ભૂમિ SOU-એકતાનગરમાં રાષ્ટ્રીય પરિષદ યોજવામાં આવી રહી છે, જે આપણા સૌ માટે ગર્વની બાબત છે.

વિવિધ રાજ્યોમાંથી અહીં ભાગ લઈ રહેલા પ્રતિનિધિઓની રાજકીય વિચારધારા તેમ જ જે તે રાજ્યની સાંસ્કૃતિક અને ભૌગોલિક પરિસ્થિતિને અનુલક્ષીને ભલે આપણી નીતિ-રીતિ જુદી હોઈ શકે,પરંતુ ખેલકૂદ એક એવું ક્ષેત્ર છે કે જેમાં ટીમ સ્પિરિટ અને દેશભક્તિની ભાવના જાગ્રત થતી હોય છે, એમ તેમણે કહ્યું હતું.