ગૌતમ અદાણીના 60મા જન્મદિવસે પરિવાર દ્વારા રૂ.60,000 કરોડનું દાન

અમદાવાદઃ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પિતા શાંતિલાલ અદાણીના જન્મ શતાબ્દી વર્ષ અને ગૌતમ અદાણીના 60મા જન્મદિન નિમિત્તે અદાણી પરિવારે વિવિધ સામાજિક કાર્યો માટે રૂ. 60,000 કરોડનું દાન કર્યું છે. આ ભંડોળનો વહીવટ અદાણી ફાઉન્ડેશન કરશે.

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું છે કે મારા પ્રેરણામૂર્તિ સમાન પિતાની આ 100મી જન્મશતાબ્દી છે અને યોગાનુયોગ આ મારા 60મા જન્મદિવસનું વર્ષ છે તેથી અમારા પરિવારે આરોગ્યસેવા, શિક્ષણ અને સ્કિલ ડેવલપમેન્ટ જેવી ચેરિટેબલ પ્રવૃત્તિઓ માટે, ખાસ કરીને આપણા દેશના ગ્રામીણમ વિસ્તારોમાં હાથ ધરવા માટે રૂ. 60,000 કરોડનું યોગદાન આપવાનો નિર્ણય લીધો છે.

મોટી યોજનાઓના આયોજન તથા અમલીકરણમાં અમારો અનુભવ રહ્યો છે. અદાણી ફાઉન્ડેશને હાથ ધરેલા કાર્યોમાંથી અમને ઘણું શીખવા પણ મળ્યું છે. એ પણ અમને આ યોજનાઓને વેગ આપવામાં મદદરૂપ થશે, એમ પણ અદાણીએ વધુમાં કહ્યું છે.