મોદી કેબિનેટ 3.0માં ગુજરાતના એકમાત્ર મહિલા પ્રધાન

ભાવનગર લોકસભા બેઠક પરથી ભાજપે નિમુબેન બાંભણિયા આપી ટીકિટ અને એમનો ભવ્ય વિજય પણ થયો. હવે મોદી કેબિનેટ 3.0માં સ્થાન પ્રાપ્ત કરનાર નિમુબેન ગુજરાતના એકમાત્ર મહિલા પ્રધાન હશે. એ પ્રથમ વખત જ લોકસભાની ચૂંટણી લડયા, અને પહેલી જ વારમાં અગાઉના બે ટર્મના સાંસદના રેકોર્ડ તોડ્યા છે. ભાવનગરમાં ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જોરદાર ટક્કર આપીને હવે તેઓ કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મેળવશે.

ઉલ્લેખનીય છે કે, ભાજપે ભાવનગર બેઠક પરથી તળપદા કોળી સમાજમાંથી આવતા નિમુબેન બાંભણીયાને ટિકીટ આપી અન નિમુબેને પહેલી વારમાં જ સિક્સર મારી. ગુજરાતમાં એક તો ભાવનગર અને બીજી ભરૂચ બેઠક પર આપ અને કોંગ્રેસે ગઠબંધન કરી ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચૂંટણી લડી. ભાવનગરમાં ભાજપ તરફથી નિમુબેન પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડ્યા. તો ઇન્ડિયા ગઠબંધન તરફથી આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા મેદાને હતા.

ભાવનગરમાં કોળી સમાજનું પ્રભુત્વ વધુ છે અને તે ત્યાં સ્થાનિક રાજકરણ પર પણ અસર કરે છે. કોળી સમાજમાંથી આવતા નિમુબેન 2005થી 2020 સુધી સતત 3 ટર્મ ભાવનગર મનપામાં કોર્પોરેટર રહી ચૂક્યા છે. બે વખત તેઓ મેયર પણ રહી ચૂક્યા છે અને સંગઠનાત્મક કામોમાં તેમની પકડ પણ વધુ મજબુત છે. નિમુબેન શહેર સંગઠનમાં મહિલા પ્રમુખ અને ઉપપિરમુખની જવાબદારી નિભાવી ચૂક્યા છે. સાથે જ પ્રદેશમાં પણ અમરેલી, સુરન્દ્રનગર, ભાવનગર શહેર મહિલા મોરચા તથા જુનાગઢના પ્રભારી પણ રહી ચૂક્યા છે.

નિમુબેનની છાપ આદર્શ તેમજ સાલસ વ્યક્તિ તરીકેની છે અને સ્થાનિક રાજકારણમાં જમીની સ્તર પર તેમની પકડ સારી છે. એટલે ચૂંટણી દરમિયાન પણ રાજકોટ, જૂનાગઢ અને અમરેલીમાં નિરીક્ષક તરીકે સેવા આપી ચૂક્યા છે. સાથે જ સેવાભાવી સંસ્થાઓ સાથે પણ જાડોયેલા છે. નિમુબેન અખિલ ભારતીય કોળી સમાજ, નવી દિલ્હીમાં સભ્ય છે. આ સાથે રાષ્ટ્રીય મહિલા મોરચા મહામંત્રી પણ છે. નિમુબેનની છબી સાફ છે અને હવે તેઓ મોદી કેબિનેટ 3.0માં ગુજરાતના એકમાત્ર મહિલા પ્રધાન હશે.