ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા ધોરડો ગામને વિશ્વ પ્રવાસન સંસ્થા દ્વારા તાજેતરમાં જ 54 શ્રેષ્ઠ પ્રવાસન ગામોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. ત્યારે આ પ્રજાસત્તાક દિને ‘ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ” વિષય પર ઝાંખી રજૂ થશે ત્યારે ધોરડો એની પરંપરા , સાંસ્કૃતિક મૂલ્યો અને એની વિશેષતા જાણવા જેવી છે.
કર્તવ્યપથ પર પ્રજાસત્તાક દિને રજૂ થશે ગુજરાતની ઝાંખી
ગુજરાતના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતાં ટેબ્લો ”ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ” વિષય આધારિત ઝાંખીનું તા. ૨૬ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ નવી દિલ્હીના કર્તવ્યપથ પર આયોજિત પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં પ્રદર્શન કરવામાં આવશે. ત્યારે એ જાણવું પણ જરૂરી છે કે ધોરડોએ G20 ની ભારતની અધ્યક્ષતા હેઠળ પ્રભાવશાળી જૂથની પ્રથમ પ્રવાસન કાર્યકારી જૂથની બેઠકનું આયોજન કર્યું હતું. વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO) એ એના ઉત્કૃષ્ટ પ્રવાસન ગામોની 2023ની યાદી જાહેર કરી છે. વર્લ્ડ ઓર્ગેનાઈઝેશને એમની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે આ સન્માન એવા ગામોને આપવામાં આવે છે જે ગ્રામીણ વિસ્તારોના વિકાસ અને લેન્ડસ્કેપ્સ, સાંસ્કૃતિક વિવિધતા, સ્થાનિક મૂલ્યો અને ખાદ્ય પરંપરાઓના જાળવણીમાં અગ્રેસર છે.
ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ
ધોરડોએ થોડા ઘરોની વસ્તી ધરાવતું નાનકડું ગામ હતું. જેની ગુજરાતના લોકોને પણ ખબર ન હતી. વર્ષોથી અજાણ્યું ગામ એવા ધોરડોને રણ ઉત્સવ દ્વારા ઓળખ મળી. કચ્છ જિલ્લાના ઉત્તર ભાગમાં આવેલું બન્ની પ્રદેશનું છેલ્લું ગામ એટલે ધોરડો. રણ ઉત્સવ પછી આ ગામમાં માળખાકીય સુવિધાઓ ઉભી થવા લાગી અને ધીમે-ધીમે ગુજરાતના વિકાસનો ચહેરો બની ગયો. પોતાની આગવી કલા-કસબના કારણે આ નાનકડું ગામ ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ બની ગયું.
ધોરડોના ”ભૂંગા” તરીકે ઓળખાતા ઘર મુખ્ય આકર્ષણ
કચ્છામાં ભૂંગા તરીકે ઓળખાતા ઘર દેશ-વેદેશમાં પ્રચલિત છે. ખાસ કરીને ધોરડોના ભૂંગામાં રહેવા માટે ખાસ કરીનો લોકો કચ્છ રણઉત્સવનો ભાગ બને છે. ભૂંગા આકારના ઘરની વાત કરીએ તો ભૂંગા માટીથી બનેલાં વર્તુળાકાર ઝૂંપડા જેવા હોય છે. કહેવાય છે કે વર્ષ 1819ના ભૂકંપ પછી સ્થાનિકોએ આ વિશિષ્ટ સંરચના અપનાવી હતી અને એ લગભગ બે સદીથી પ્રચલિત છે. વર્ષ 1956 તથા 2001ના ભયાનક ભૂકંપમાં કચ્છનાં આ ભૂંગા ટકી રહ્યાં હતાં. ભૂંગાનો નીચેનો ભાગ ગૅસના સિલિન્ડર જેવો વર્તૂળાકાર હોય છે, જ્યારે એની છત શંકુ આકારની હોય છે. ઉનાળામાં જ્યારે તાપમાનમાં વધારો થાય ત્યારે આ ઘર ઠંડક આપે છે. જ્યારે શિયાળામાં રાત્રિના સમયે તાપમાનમાં ઘટાડો થાય છે, ત્યારે આ ઘર હૂંફ પૂરી પાડે છે. ઘરની રચના વર્તુળાકાર હોવાથી સૂર્યનાં મોટાભાગનાં કિરણો ભૂંગા ઉપર પડે છે અને પરાવર્તિત થઈ જાય છે એટલે એની સપાટી ઓછી ગરમ થાય છે. માટે અંદરના ભાગે ઠંડક આપે છે.
ભૂંગામાં રહેવાની એક જુદી જ મજા
મૂળ કચ્છના અને હાલ અંકલેશ્વર રહેતા દિપ્તી જોષી ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, અમે ભલે હાલ કચ્છની બહાર વસવાટ કર્યો પરંતુ કચ્છની પરંપરા અને સંસ્કૃતિ આજે પણ અમારામાં જીવંત છે. ભૂંગામાં રહેવાની એક જુદી જ મજા હોય છે. જમીનથી ઊંચા પ્લૅટફૉર્મ ઉપર ગાર-માટી, વાંસ, લાકડાં અને કાથીનો ઉપયોગ કરીને ભૂંગાનું નિર્માણ કરવામાં આવે છે. આમ તો મોટાભાગના ભૂંગાની છત દિવાલ એના આકારને કારણે અંદરોઅંદરના ટેકાને કારણે જળવાઈ રહે છે. છતાં કેટલાક ભૂંગામાં અંદરની બાજુએ ટેકો આપવા માટે થાંભલી પણ મૂકવામાં આવે છે. ભૂંગામાં એક નાનો પણ સાંકડો દરવાજો અને એક-બે બારીઓ હોય છે.
એક સમય એવો હતો જ્યારે ભૂંગા માત્ર સફેદ રંગના અને સિમ્પલ જોવા મળતા પરંતુ હવે તો એમાં પણ ભિન્ન-ભિન્ન ડિઝાઈન બનાવવામાં આવે છે. ઉપરાંત કુદરતી રંગનો ઉપયોગ પણ કરવામાં આવે છે. ખાસ કરીને કચ્છના ભૂંગા પર દિવાળી પહેલાં ઘરની મહિલાઓ નવું લીંપણ અને ચિત્રો દોરી એને સજાવે છે.
રોગાન કલા, ‘રણ ઉત્સવ‘ કચ્છી પરંપરાગત સંગીત અને કૌશલ્યની ઝાંખી
26 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી દર્શવાતા ટેબ્લોમાં કચ્છનો રણ ઉત્સવ, રોગાન કલા, કચ્છી પરંપરાગત સંગી અને કૌશલ્યની ઝાંખી પણ જોવા મળશે. કચ્છ પોતાની વિવિધ પ્રકારની હસ્તકલા માટે જાણીતું છે. જેમાં રોગાન કલાનો પણ સમાવેશ થાય છે. આ હસ્તકલાની ખ્યાતી છેક પરદેશ સુધી પહોંચી ગઈ છે. કાપડ પર તૈયાર થતી આ એક અનોખી ચિત્રકારીની કળા છે. તો કચ્છના રણ ઉત્સવમાં પણ દેશ-વિદેશની સહેલાણીઓ ઉમટે છે. જેમાં શિયાળામાં, સફેદ મીઠાને કારણે, રણમાં વસેલું આ ગામ અદ્ભુત સફેદી મેળવે છે. ગુજરાત સરકાર દર વર્ષે અહીં રણ ઉત્સવનું આયોજન કરે છે. જો કે પહેલા ધોરડા ગામનું નામ પણ લોકો જાણતા ન હતા.
રણ ઉત્સવ શરૂ થવા પાછળ એક સુંદર ઈતિહાસ
ધોરડામાં શરૂ થયેલા રણ ઉત્સવ પાછળ પણ એક સુંદર ઈતિહાસ છે. હકીકતમાં કચ્છના ધોરડો વિશ્વના નકશા પર ચમકવાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. સાથે જ સમાન શ્રેય ગામના ગુલબેગ મિયાંને પણ જાય છે. ગુલબેગ મિયાં એ જ વ્યક્તિ છે જેમણે ગામમાં રણ ઉત્સવનું આયોજન કરવાનું સપનું જોયું હતું અને એમના પુત્ર મિયાં હુસૈને એમના પિતાની ઇચ્છા નરેન્દ્ર મોદીને જણાવી હતી. નરેન્દ્ર મોદીએ ગુલબેગ મિયાંના સૂચનનો અમલ કર્યો અને ધોરડો ગામ નવી યાત્રાએ નીકળ્યું. ગુલબેગ મિયાંએ ત્રણ દાયકા પહેલા આ ફેસ્ટિવલના આયોજન માટે પ્રયાસો શરૂ કર્યા હતા. 90ના દાયકામાં નાના પાયે દિવસભર ઉત્સવ થતો હતો, 2008માં તંબુઓમાં ઉત્સવ શરૂ થયો હતો. ગુલબેગ મિયાંનું 1999માં અવસાન થયું, પરંતુ એમનું સપનું પૂરું થયું. હવે એમના પુત્ર મિયાં હુસૈન સ્વદેશી કળાને પ્રોત્સાહન આપવાનું નેતૃત્વ કરી રહ્યા છે. યુનાઈટેડ નેશન્સનાં વર્લ્ડ ટુરીઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા ધોરડોને બેસ્ટ ટુરીઝમ વિલેજ તરીકે જાહેર કરીને આ ગામે મોટી છલાંગ લગાવી છે. આ ગામની વસ્તી હજુ પણ 1000થી ઓછી છે. હવે ગામ અતિથિ દેવો ભવની ગુજરાત પરંપરાનું નેતૃત્વ કરે છે. સાથે જ દેશ અને રાજ્યના સરહદી પ્રવાસનને દર્શાવવાનો સ્તુત્ય પ્રયાસ પણ કરે છે.