ગાંધીનગર- બનાસ નદીમાંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ સાયફનનું કામ પૂર્ણ કરવાના હેતુથી 5 ઓક્ટોબરથી 7મી ઓક્ટોબર એમ ત્રણ દિવસ સુધી પાણી પુરવઠો બંધ રહેશે. જોકે પીવાના પાણીનો પુરવઠો જરુરિયાત મુજબ મુખ્ય નહેરમાંથી આપવામાં આવશે તેમ મુખ્ય ઇજનેર-મુખ્ય નહેરની યાદી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. 8 ઓક્ટોબરથી નહેરમાં પાણી પુરવઠો રાબેતા મુજબ પુનઃશરુ કરાશે.
આ સમયગાળા દરમિયાન પાણીનો પૂરવઠો બંધ રહેવાથી બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લાને સિંચાઇનું પાણી પુરું પાડતી રાધનપુર, કચ્છ, વેજપુર, મડકા, માલસણ, ઢીમા, ગડસીસર શાખા નહેરો અને ઉચ્ચપા, ઇઢાતા ડીસ્ટ્રીબ્યુટરીઓ તથા શાખા નહેરો માંથી નીકળતી વિશાખા નહેરોમાં પાણી પૂરવઠો ૩ દિવસ માટે બંધ રહેશે.
વર્ષ ૨૦૧૭માં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અતિવૃષ્ટિના કારણે બનાસ નદીમાં વિનાશક પુરની પરિસ્થિતિનું નિર્માણ થતાં બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરના નુકસાનના રીપેરીંગ અને નવીન મોટું કેનાલ સાયફનનું બાંધકામ પૂર્ણ કરવાના હેતુથી 5થી7 ઓક્ટોબર-2018 સુધી પાણી પુરવઠો બંધ રહેશે, 8 ઓક્ટોબરથી નહેરમાં પાણી પુન: શરૂ કરાશે. આ નહેરનું કામ પૂર્ણ થયાં બાદ હાલની વહન ક્ષમતા કરતા બમણી વહન ક્ષમતાથી પાણી આપી શકાશે.
બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરની સાંકળ ૩૬૭.૧૩૨ કી.મી. પર ખારીયા ગામ પાસે બાંધવામાં આવનાર કેનાલ સાયફનનું કામ પ્રગતિ હેઠળ છે. આ સ્ટ્રકચરની લંબાઇ ૨૮૫ મીટર છે. હાલની સ્થિતિએ આ સ્ટ્રક્ચરનું કામ ૭૫ ટકા પૂર્ણ થયું છે. કેનાલ સાયફન સ્ટ્રકચરની આગળ તેમજ પાછળના ભાગને નહેરથી જોડવાના કામ માટે નહેરમાં આડબંધના બાંધકામની કામગીરી ત્રણ દિવસમાં કરવામાં કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં અછતની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગત ૧૯ જુલાઇ-૨૦૧૮ થી 4 ઓક્ટોબર-૨૦૧૮ સુધી જરૂરિયાત મુજબ સિંચાઇ તેમજ પીવાનું પાણી પુરુ પાડવામાં આવ્યું છે.