જળસંચય- જળસંગ્રહના 7795 કામ રુ. 9045 લાખના ખર્ચે હાથ ધરાશે

વડોદરા- નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે  વડોદરા સહિત મધ્ય ગુજરાતના સાત જિલ્લાના લોકો અને ધાર્મિક, સામાજીક સહિત તમામ પ્રકારની સંસ્થાઓ, ઓૈદ્યોગિક એકમો, મંડળો અને નાગરિક સંગઠનોને સુજલામ સુફલામ જળ સંચય અભિયાનમાં સહ ભાગીદાર બનવા અનુરોધ કર્યો છે.વડોદરા સહિત મધ્ય ગુજરાતના છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર,આણંદ અને ખેડા જિલ્લાઓમાં એક મહિનાના આ અભિયાન દરમિયાન જળસંચયના ૭૭૯૫ કામો કુલ રૂા.૯૦.૪૫ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે. વડોદરા જિલ્લામાં કુલ ૧૭૭૭ કામો રૂા. ૧૬.૬૩ કરોડના ખર્ચે હાથ ધરવામા આવશે જેનાથી તળાવો સહિતના જળ સ્ત્રોતોની પાણી સંગ્રહની ક્ષમતા વધશે.

વડોદરા જિલ્લામાં જળસંચય અભિયાનમાં જીએસીએલ, જીએસએફસી, રીલાયન્સ, સનફાર્મા, ટ્રાન્સપેક, ફિનોલેકસ, ઇન્ડિયન ઓઇલ, એચપીસીએલ, આર આર કેબલ્સ, જેવા ઔદ્યોગિક એકમો, બરોડા ડેરી અને એપીએમસી સહિતની સહકારી સંસ્થાઓ, કરનાળી મંદિર અને સ્વામીનારાયણ સંપ્રદાય સહિત ધાર્મિક સંસ્થાઓ આ અભિયાનને પીઠબળ આપવા આગળ આવી છે.

વડોદરાના પક્ષીતીર્થ જેવા વઢવાણા તળાવની સુધારણા અને વિકાસનું ઉપરાંત જિલ્લાની સાત પાણી પુરવઠા યોજનાઓના ૧૩૦૨ જેટલા એર વાલ્વસનું સમારકામ, સુધારણા કરીને પાણીનો બગાડ અટકાવવામાં આવશે. તળાવો ઉંડા કરવાની સાથે કાંપ કાઢવા અને નડતર રૂપ વનસ્પતિઓને કાઢવવાની કામગીરી કરવામાં આવશે.બંધો-તળાવોમાંથી નીકળનારી માટી –કાંપ ખેડૂતોને ખેતરમાં પાથરવા મફત અપાશે જેનાથી જમીનની ફળદ્રપતા વધશે. આ ઉપરાંત પુરાણના કામમાં તે ઉપયોગમાં લેવાશે.મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ સ્ટોર્મ વોટર ડ્રેનેજ તેમજ ગટર લાઇનોની સફાઇ કરશે.

આવતીકાલે ગુજરાત સ્થાપનાના ઉપલક્ષમાં ગૌરવ દિન ઉજવણી હેઠળ સુજલામ્ સુફલામ્ જળ અભિયાનનો પ્રારંભ થઇ રહ્યો છે. મધ્ય ગુજરાતના પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર, દાહોદ, આણંદ, વડોદરા, અને ખેડા જિલ્લામાં તળાવો ઉંડા કરવાના, ચેકડેમ-જળાશય સિલ્ટીંગ, નહેરોની સફાઇ, રેઇન વોટર હાર્વેસ્ટીંગ, નદી-વાંકડાની સફાઇ, નદીઓને પુનઃ જીવીત કરવી, કાંસ સફાઇ, વૃક્ષારોપણ સહિત મધ્ય ગુજરાતના ૭ જિલ્લામાં જળસંચય અને જળસંગ્રહના કુલ ૭૭૯૫ કામો અંદાજે રૂા. ૯૦૪૫ લાખના ખર્ચે હાથ ધરવામાં આવશે.

ક્રમ જિલ્લાનું નામ કુલ કામો અંદાજિત ખર્ચ

 (રૂા. લાખમાં)

વડોદરા ૧૭૭૭ ૧૬૬૩
છોટાઉદેપુર ૭૭૮ ૧૫૩૨
પંચમહાલ ૧૬૮૫ ૧૭૪૭
દાહોદ ૧૧૭૩ ૧૬૪૫
મહિસાગર ૮૮૩ ૮૪૫
આણંદ ૪૫૦ ૨૨૯
ખેડા ૧૦૪૯ ૧૩૮૪
કુલ ૭૭૯૫ ૯૦૪૫