વિધ્નહર્તા ભગવાન ગણેશજીની જન્મ જયંતિ એટલે ગણેશ ચતુર્થી. આજથી દેશભરમાં ગણેશોત્વની ભવ્ય ઉજવણી શરૂ થઈ રહી છે. નાના કસબાઓથી લઈને ગામડાઓ, નગરો, મહાનગરોમાં ભક્તોએ બાપ્પાની પંડાલમાં સ્થાપના કરી છે. ત્યારે ગણેશોત્સવના પ્રથમ દિવસે વાત કરવી છે અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા વસંતચોકમાં બિરાજમાન ‘લાલબાગ ચા રાજાની’
લાલબાગ ચા રાજા જેવી મૂર્તિ…
‘એક દો તીન ચાર ગણપતિનો જય જયકાર’…ના નાદ સાથે ગણપતિ બાપ્પાની પૂજા કરવામાં આવે છે. 10 દિવસ સુધી ભક્તિભાવથી દુંદાળા દેવની આરાધના થાય છે. સુખ કરતા દુખહર્તા મુંબઈના ‘લાલબાગ કા રાજા’ની જેમ જ અમદાવાદના લાલ દરવાજાના મહારાજાનો પંડાલ સજાવવામાં આવ્યો છે. જે ભાવિકો ‘લાલબાગ કા રાજા’ના દર્શન કરવા નથી જઈ શકતા એ લોકો અમદાવાદના આંગણે જ લાલ દરવાજામાં બિરાજમાન ‘લાલબાગ ચા રાજા’ની આબેહૂબ મૂર્તિના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
ગેલેક્સી થીમ પર પંડાલ
લાલદરવાજા પાસેના આ ગણેશોત્સવ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા વસંત ચોક પંડાલના આયોજક જયેન્દ્રભાઈ રજપૂત કહે છે કે, “અમે વર્ષોથી દાદાની મૂર્તિનું સ્થાપન કરીએ છીએ. મંબઈના લાલબાગ ચા રાજાના જેવી જ મૂર્તિ અહીં સ્થાપિત છે. ભક્તો દૂર દૂરથી અમદાવાદના લાલ દરવાજાના મહારાજાના દર્શનાર્થે આવે છે. આ વર્ષે અમે ગેલેક્સી થીમ પર પંડાલ તૈયાર કર્યો છે. થીમની પાછળ રહેલા તર્ક વિશે જયેન્દ્રભાઈ કહે છે કે, સમગ્ર બ્રહ્યાંડના પ્રથમ દેવ એ રીતે દાદાનું વર્ણન આ થીમ દ્ધારા કરવામાં આવ્યું છે.”
દાદાનું વિસર્જન નથી કરતા
ગણપતિ દાદાની મૂર્તિની વિશેષતા વિશે વાત કરતા સાગરભાઈ તિવારી ચિત્રલેખા.કોમને કહે છે, “બાપ્પાની મૂર્તિ 14 ફૂટની છે. જે ફાઈબરના રેસામાંથી બનાવવામાં આવી છે. મહત્વની વાત એ છે કે દાદાની મૂર્તિનું અમે વિસર્જન નથી કરતા. દુંદાળા દેવની દસ દિવસ પૂજા-અર્ચના કર્યા પછી વાજતે-ગાજતે વરઘોડો નિકાળીએ છીએ પરંતુ દાદાનું વિસર્જન નથી કરતા. બીજા વર્ષે એ જ મૂર્તિનું ફરી સ્થાપના કરીએ છીએ. હા દાદાની મૂર્તિના હાથ પગની રચનામાં થોડા ફેરફાર કરવામાં આવે છે. સાથે જ સિંહાસનનું બેગ્રાઉન્ડ પણ બદલવામાં આવે છે.”
પર્યાવરણનું જતન
વસંત ચોક પંડલામાં 55 વ્યક્તિનું ગ્રુપ કામ કરી રહ્યું છે. દિવસ રાત બાપ્પાની સેવામાં હાજર રહેવા સમગ્ર લોકો તૈયાર રહે છે. હિરેનભાઈ રજપૂત ચિત્રલેખા.કોમને કહે છે, “દાદાની સેવા-પૂજાની સાથે અમે પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકશાન ન થાય એ વાતનું ખાસ ધ્યાન રાખીએ છીએ. જ્યારે મૌલિક જોષી કહે છે, દર વર્ષે 200થી વધુ લોકોને નિમંત્રણ પત્રિકા આપીએ છીએ પરંતુ વિશેષ અતિથી તરીકે કોઈને પણ બોલાવતા નથી. દાદાના દર્શન દરેક લોકો માટે ખુલ્લા રહે છે.”
ભક્તિ સાથે સેવાનો ઉત્સવ
જયેન્દ્રભાઈ કહે છે, “દાદાનો ગણેશોત્સવ એટલે ભક્તોનો ઉત્સવ, ભક્તિ માટેનો ઉત્સવ જેમાં બને એટલા સેવાના કાર્યો કરવાના. અમે દર વર્ષે દિવ્યાંગ બાળકો માટે ડોનશન આપીએ છીએ, સાથે જ દિવ્યાંગ બાળકોને આરતી માટે પણ આમંત્રણ પાઠવીએ છીએ. આ ઉપરાંત દસ દિવસ સ્ટેશનરીની વસ્તુનું જરૂરીયાતમંદ લોકોને નિઃશુલ્ક વિતરણ કરીએ, અને બને એટલી લોકોને મદદ કરીએ. ગણેશોત્સવ ભક્તિ સાથે સેવાનું પર્વ પણ લઈને આવે છે.”
હેતલ રાવ
પ્રજ્ઞેશ વ્યાસ