અમદાવાદઃ ટ્રાફિક નિયમો તોડતાં પહેલાં સાવધાન થઈ જજો. ખાસ કરીને અમદાવાદીઓએ સાવધ થવાની ખાસ જરૂર છે, કેમ કે રાજ્યમાં વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટનો પ્રારંભ થયો છે. જો ઈ-મેમોના દંડની રકમ ત્રણ મહિનામાં નહીં ચૂકવાય તો આપોઆપ ટ્રાફિક કોર્ટમાંથી મેમો મોકલવામાં આવશે.
વન નેશન વન ચલણ પ્રોજેક્ટને રાજ્યમાં ટ્રાફિક પોલીસના ચલણો અને RTO ચલણો સાથે સફળતાથી જોડવામાં આવ્યો છે. વર્ચ્યુઅલી ટ્રાફિક કોર્ટને સુપ્રીમ કોર્ટની ઈકમિટીની સહાયથી શરૂ કરવામાં આવી છે. કાર્યકારી જસ્ટિસ એ. જે. દેસાઈ, IT કમિટીના જજ અને હાઇકોર્ટની IT કમિટીની મંજૂકીથી અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ કાર્યરત કરવામાં આવી છે.
ટ્રાફિક પોલીસ અને RTOના ચલણ સાથે વન નેશન વન ચલણ પ્રોજેક્ટનું સફળ સંકલન કરવામાં આવ્યું છે. જેમાં વાહન માલિકના મોબાઇલ નંબર પર SMS દ્વારા નોટિસ આપવામાં આવશે. લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ પણ સક્રિય છે. શહેરમાં પહેલાં માત્ર ટ્રાફિકના ત્રણ નિયમો તોડનારાને ઈ-મેમો આવતા હતા, પણ હવે અમદાવાદમાં વાહનચાલકોને ટ્રાફિકના 16 જેટલા નિયમોનો ભંગ કરવા બદલ ઘરે ઈ-મેમો મોકલવામાં આવશે. આ માટે શહેરમાં 130 ટ્રાફિક સિગ્નલો પર 6500 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.
અમદાવાદમાં રિક્ષામાં નિયમ કરતા વધારે પેસેંજર હશે, રિક્ષામાં ડ્રાઇવર સીટ પર પેસેન્જર બેઠા હશે, BRTS કોરિડોરમાં વાહન ચલાવશો, ફોર વ્હીલરમાં કાળા કાચ અથવા તો ડાર્ક ફિલ્મ લગાવેલી હશે. ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલ ફોન પર વાત કરતા હશો તો ઈ-મેમો તમારા ઘરે આવશે. આ ઉપરાંત જો વાહનોમાં HSRP સિવાયની નંબર પ્લેટ લગાવી હશે તો પણ ઈ-મેમો આવશે.
આ ઉપરાંત શહેરમાં બે કરતા વધારે લોકો ટૂ વ્હીલર પર સવાર હશે, સ્પીડમર્યાદા નહીં હોય તો ઈ મેમો આવશે. રોડ પર આડેધડ પાર્કિંગ અને નો-પાર્કિંગ ઝોનમાં કરનારા વાહનચાલકોને ઈ-મેમો ફટકારવામાં આવશે. ચાલકે ફોર વ્હીલરમાં સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય અને બાઇક ચાલકોએ હેલ્મેટ નહીં પહેર્યું હોય તો ઈ-મેમો આવશે. શહેરમાં નિયમ કરતાં વધારે વાહનોની સ્પીડ હશે, રોંગ સાઇડમાં વાહન ચલાવતા પકડાશો તો ઈ-મેમો આવશે.