CM વિજય રૂપાણી કોરોના-સંક્રમિતઃ બે સાંસદ પણ કોરોના-પોઝિટિવ

અમદાવાદઃ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલાં વડોદરામાં એક સભામાં તેઓ ચાલુ ભાષણે ઢળી પડ્યા હતા. તેમને અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યા છે. મુખ્ય પ્રધાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમના આગામી તમામ કાર્યક્રમો રદ થયા છે. તેમના સંપર્કમાં આવેલા તમામનો ટેસ્ટ કરવામાં આવશે. તેમની સાથે સંગઠન મંત્રી ભિખુ દલસાણિયા અને કચ્છના સંસદસભ્ય વિનોદ ચાવડા પણ કોરોનાગ્રસ્ત થયા છે. મુખ્ય પ્રધાન કોરોનાગ્રસ્ત થતાં હવે તેઓ કોર્પોરેશનની સાથે પંચાયતના ચૂંટણીપ્રચારમાં ભાગ નહીં લઈ શકે. તેમણે 14 દિવસ સુધી ક્વોરોન્ટિન રહેવું પડશે. 

વડોદરમાં એક જાહેર સભામાં બ્લડ પ્રેશર લો થઈ જતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ચક્કર ખાઈને પડી ગયા હતા. જેથી મોડી રાત્રે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ECG, 2D, બ્લ્ડ ટેસ્ટ સહિતના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જોકે કોરોનાનો આરટીપીસીઆર રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે આજે પોઝિટિવ આવ્યો છે. હાલમાં તેઓ સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. તેમની સ્થિતિ હાલ સ્થિર છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે ભાજપની પાર્લમેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્ય પ્રધાન સાથે હાજર રહેલા સંગઠન મંત્રી ભીખુ દલસાણીયા અને વિનોદ ચાવડા પણ સંક્રમિત થયા છે.

યુ.એન.મહેતા હોસ્પિટલના ડોક્ટરે પત્રકારોને જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે અને તેમને 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. થાક અને ડિહાઇડ્રેશનના કારણે તમને ચક્કર આવ્યા હતાં. હોસ્પિટલે તેમના આરોગ્યને લઈને હેલ્થ બુલેટિન પણ જારી કર્યું હતું.

આ સાથે ગુજરાત-ભાજપના આશરે 30 જેટલા નેતાઓ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.