ગુજરાત સહિત દેશમા ગણેશ વિસર્જનને લઈ ધૂમધામ ચાલી રહી છે. આજે ગુજરાતના તમામ શહેરો માંથી વાજતે ગાજતે ગણપતિ બાપાની વિદાયના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે સુરત શહેરમાં પણ સવારથી ગણેશ વિસર્જનને લઈ ધમધમાટ ચાલી રહ્યો છે. શહેરમાં ગણેશ વિસર્જન યાત્રા નિર્વિધ્ને પૂર્ણ થાય તે માટેના પુરતા બંદોબસ્ત પણ કરવામાં આવ્યા છે. ત્યારે બીજી બાજું ભાગળ ચાર રસ્તા નજીકથી પસાર થતી એક વિઘ્નહર્તાની વિદાય યાત્રામાં વિધ્ન આવતા આવતા અટકી ગયું હતું.
ગણેશ વિસર્જન યાત્રા લાગી આગ
આનંદ ચૌદશની સવારનો સૂરજ ઉગે તે પહેલા સુરતમાં ગણેશજીના વિસર્જન યાત્રા નીકળી રહી છે. વહેલી સવારથી નિકળતી વિસર્જન યાત્રા શાંતિથી અને ભક્તોના આનંદોલ્લાસ વચ્ચે નીકળી રહી છે. દરમિયાન આજે 11 વાગ્યા પછી ભાગળ ચાર રસ્તા પરથી વિસર્જન યાત્રામાં નાનકડું વિઘ્ન આવ્યું હતું. સુરતના ભાગળ ચાર રસ્તા પરથી પસાર થતી શોભાયાત્રામાં પ્રતિમા સાથે મુકેલા ફટાકડામાં આગ લાગી ગઈ હતી. જોકે, આગ નાની હોવા ઉપરાંત પાલિકાના ફાયર વિભાગના જવાનોની સમયસુચકતાના કારણે આગ બુઝાવી દેવામાં આવી હતી. જેના કારણે મોટી દુર્ઘટના થતી ટાળી શકાઈ.
ટ્રેકટરનું ટાયર ફાટ્યું, રસ્તામાં થયું વિસર્જન
ત્યારે બીજી બાજું ભેસ્તાન વિસ્તારમાં આજે ગણેશ વિસર્જનના એક ટ્રેક્ટરનું ટાયર અચાનક ફાટતા ટ્રેક્ટર પલટી ખાઈ ગયું. જેના કારણે ટ્રેક્ટરમાં લઈ જવાતી વિશાળકાય ગણેશજીની પ્રતિમા રસ્તા પર પડતા ખંડિત થઈ ગઈ હતી. જેના કારણે અનેક ગણેશ ભક્તો દુઃખી થયાં હતાં. સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ ગણેશજીની વિસર્જન યાત્રા શરૂ કરવામાં આવી છે. શહેરના ભાગળ વિસ્તારમાં ગણેશજીની વિસર્જન યાત્રામાં નાનકડું વિઘ્ન નડ્યું હતું. ત્યારબાદ ભેસ્તાન વિસ્તારમાં પણ એક ગણેશ મંડળ દ્વારા વિસર્જન યાત્રા કરવામાં આવી હતી, જેનો અકસ્માત થયો હતો.