રાજ્યના સ્થાપના દિવસે વાઇબ્રન્ટ સમિટ યોજાય એવી શક્યતા

ગાંધીનગરઃ ત્રીજી લહેરના પ્રારંભે રાજ્યમાં કોરોનાનું  સંક્રમણ વધતાં વૈશ્વિક મૂડીરોકાણ માટેની વાઇબ્રન્ટ ગુજરાત સમિટ રદ કરવી પડી હતી, પણ હવે કોરોનાના કેસોમાં ધીમે-ધીમે ઘટાડો થઈ રહ્યો છે. વળી, ઉનાળા સુધીમાં રાજ્યમાંથી કોરોના વાઇરસ વિદાય લે એવો નિષ્ણાતો અંદાજ લગાવી રહ્યા છે, જેથી રાજ્ય સરકારે ફરી એક વાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવા વિચારણા શરૂ કરી છે. હવે રાજ્યના સ્થાપના દિવસે એટલે કે પહેલી મેએ બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાય તેવી શક્યતા છે.

જાન્યુઆરીમાં સ્થગિત કરાયેલી 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ હવે બજેટ સત્ર બાદ એપ્રિલ-મેમાં યોજવાની હિલચાલ થઇ રહી છે. આ સમિટ યોજવા સરકારમાં ઉચ્ચ સ્તરે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, કારણ કે ઉદ્યોગ વિભાગના બે સિનિયર IAS અધિકારીઓને ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં નિરીક્ષક તરીકેની કામગીરીમાંથી મુક્તિ આપી હોવાની પણ માહિતી છે.
સરકારનાં આંતરિક વર્તુળો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુવારે બપોરે મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને પ્રિ-સમિટ MoU થયા એ પહેલાં ઉત્તર પ્રદેશમાં વિધીનસભા ચૂંટણી નિરીક્ષક તરીકે જનારા ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા અને GIDCના મેનાજિંગ ડિરેક્ટર એમ થૈનારસનને આ કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

વાઇબ્રન્ટ ગુજરાતની પૂર્વ સંધ્યા 30 એપ્રિલે તો ગાંધીનગરમાં મેગા ડ્રોન શો યોજવા પણ આયોજન કરાયુ હતું. 26 જાન્યુઆરીએ દિલ્હીમાં યોજાયેલાં ડ્રોન શો કરતાં વૈવિધ્ય સભર ડ્રોન શો યોજવા ગુજરાત સરકારે તૈયારીઓ આદરી છેઆ વર્ષની 10થી 12 જાન્યુઆરી દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઇને રાજ્ય સરકાર દ્વારા તડામાર તૈયારીઓ પણ કરી દેવામાં આવી હતી પણ સમિટ પહેલાં કોરોનાના જ કેસોમાં ઉછાળો હોવાથી એ રદ કરવામાં આવી હતી. જોકે હવે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું મે, 2022માં ફરી આયોજન થાય એવી શક્યતા છે.