અમદાવાદ સરદાર પટેલ રીંગ રોડ પર વટવા રોપડા ચેક પોસ્ટ નજીકથી વટવા પોલીસે એક યુવકને રૂપિયા 3.60 કરોડની કિંમતના 12 કિલો હાઇબ્રીડ ગાંજા સાથે ઝડપી પાડવામાં પોલીસે સફળતા મેળવી છે. ઝડપાયેલો યુવક મોરબીનો રહેવાસી હતો અને એક યુવતીએ તેને તેમજ અન્ય એક યુવકને બેંગકોક મોકલીને ત્યાંથી હાઇબ્રીડ ગાંજો લઇને ગુજરાતમાં એક વ્યક્તિને પહોંચાડવાનું કામ સોંપ્યુ હતું. જે બેંગકોકથી મુંબઇ એરપોર્ટ ઉતરીને બસમાં ગુજરાત આવ્યો હતો. આ અંગે વટવા પોલીસે તપાસ હાથ ધરી છે.
વટવા પોલીસ સ્ટેશનના અધિકારીઓને ચોક્કસ બાતમી મળી હતી કે સરદાર પટેલ રીંગ રોડ પર બુધવારે (18મી ડિસેમ્બર) રાતના સમયે એક યુવક મોટાપ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો લઇને આવશે. જેના આધારે પોલીસ ઈન્સ્પેક્ટર પી.બી. ઝાલા અને તેમના સ્ટાફે વટવા રીંગ રોડ પર વોચ ગોઠવીને 30 વર્ષીય યોગેશ દશાડિયાને ઝડપીને તેની બેગમાં તપાસ કરતા પ્લાસ્ટીકની બેગમાં પેક કરાયેલા 24 જેટલા પાર્સલ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જપ્ત કરાયેલા પાર્સલમાં 3.60 કરોડ રૂપિયાનો હાઇબ્રીડ ગાંજો હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે યોગેશે પોલીસ પુછપરછમાં જણાવ્યું હતું કે, ‘ઓનલાઇન સાઇટ દ્વારા મારો પરિચય સાયલી નામની યુવતી સાથે થયો હતો. તેણે મારી સાથે મિત્રતા કેળવીને મને બેંગકોક પતાયા ખાતે ફરવા જઇને ત્યાંથી એક બેગ લઇને આવવાનું જણાવ્યું હતુ. આ ટ્રીપના 70 હજાર આપવાની ડીલ કરીને સાયલીએ મારી અને નાસિકમાં રહેતા પ્રિતમની બેગકોક જવાની બે એર ટિકિટ બુક કરી હતી. જેથી 14મી ડિસેમ્બરે અમદાવાદથી પતાયા ગયા જ્યાં બંનેને પતાયાની બેલા એક્સપ્રેસ હોટલમાં રોકાયા હતા. ત્યાથી 16મી ડિસેમ્બર એરપોર્ટથી મુંબઈ ઇન્ટરનેશલ એરપોર્ટ આવ્યા હતા. જ્યાંથી પ્રિતમ નાસિક કોલ્હાપુર ગયો હતો. જ્યારે હું બંને બેગ લઇને ટ્રાવેલ્સમાં મુંબઇથી અમદાવાદ આવવા નીકળ્યો હતો. મુંબઈ ઉતર્યો ત્યારે નિધી નામની યુવતીએ કોલ કરીને કહ્યું હતું કે ગુજરાત પહોંચ્યા પછી ડ્રગ્સનો જથ્થો કોને આપવાનો છે? કોલ કરીને જાણ પણ કરશે.’ પરંતું ડ્રગ્સનો જથ્થો સપ્લાય થાય તે પહેલાં જ પોલીસને યોગેશ ઝડપાઈ ગયો હતો. આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
