દિવાળીના તહેવાર બાદની પાંચ એટલે લાભ પાંચમ. આ વર્ષે આજે એટલેકે 6 નવેમ્બરના લાભ પાંચમનો શુભ પર્વ છે. લાભ પાંચમના દિવસે પૂજા કરવાથી સાધકને વેપાર વગેરેમાં લાભ થાય છે. આજના દિવસ કોઈપણ નવા કાર્યની શરૂઆત કરવા માટે પણ શુભ માનવામાં આવે છે. ત્યારે દિવાળીની રજાઓ બાદ આજથી રાજકોટ, મોરબી, અરવલ્લી, જામનગર, પોરબંદર સહિતના માર્કેટ યાર્ડ ફરી ધમધમતા થયા છે. જ્યાં મગફળી, કપાસ અને સોયાબીન જેવી અન્ય જણસીની આવક શરૂ થઈ છે.
રાજકોટનું બેડી માર્કેટ યાર્ડ આજથી ધમધમતુ થયું હતું. આજે પહેલા દિવસે જ બેડી માર્કેટ યાર્ડમાં મગફળીની આવક થઈ હતી. આજે 1 લાખ ગુણી જેટલી મગફળીની આવક થઈ હતી અને 1250 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. જો કે, ટેકાના ભાવ કરતાં ઓછા ભાવ મળતા ખેડૂતોમાં થોડી નિરાશા જોવા મળી હતી. મોરબી માર્કેર્ટ યાર્ડમાં આજે વેપારના શ્રીગણેશ થયા હતા. આજે વધુ આવક કપાસની થઈ હતી. મગફળી, બાજરો, એરંડા, તલ, ચણા, સોયાબીન વગેરેની પણ આવક થઈ છે. આજે 11,060 મણ કપાસની આવક થઈ હતી, જેના 1300થી 1550 રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો. આ ઉપરાંત 2875 મણ મગફળીની આવક થઈ હતી, જેનો 840થી 1256 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા.
વિવિધ માર્કેટ યાર્ડમાં જણસીના આવક શરૂ
દિવાળીના મિની વેકેશન બાદ જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં 345થી વધુ વાહનોમાં મગફળી સહીત જુદી જુદી જણસીની આવક શરૂ થઈ છે. મંગળવારથી યાર્ડ ખાતે મગફળી લઈને ખેડૂતો આવ્યા હોવાથી દોઢ કિ.મી. લાંબી કતાર જોવા મળી હતી. બીજી બાજુ લાભ પાંચમના દિવસે પોરબંદરના માર્કેટ યાર્ડમાં જણસીની આવક જોવા મળી હતી. ત્યારે આજે મગફળીના ભાવ 1000થી 1100 રૂપિયા જેવો મળ્યો છે. નોંધનીય છે કે, ખેડૂતોને મગફળીની ગુણવત્તા મુજબ ભાવ પણ સારા મળ્યા છે. હિંમત નગર માર્કેટ યાર્ડ ખાતે ઘણાં સમથી મગફળીની આવકની શરૂઆત થઈ હતી. યાર્ડમાં મગફળીની 15 હજાર જેટલી બોરીની આવક થઈ હતી અને 1200થી 1400 સુધીના પ્રતિ મણે ભાવ બોલાયો હતો. જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવક શરૂ કરવામાં આવી છે. પહેલા દિવસે જ મગફળી અને સોયાબીનની સૌથી વધુ આવક નોંધાઈ હતી. સોયાબીનની 10 હજારથી વધુ કટ્ટા અને મગફળીની 1500 થી વધુ ગુણીની આવક થઈ છે. અમરેલીના સાવરકુંડલા માર્કેટમાં હરાજીનો પ્રારંભ થયો છે. માર્કેટ યાર્ડમાં ચણાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ચણાનો ભાવ 1,000થી 1,561 રૂપિયા બોલાયો હતો. માર્કેટ યાર્ડમાં 40 મણની આવક નોંધાઈ હતી. સાવરકુંડલા માર્કેટ યાર્ડ ચણા સહિતની જણસીની પણ આવક નોંધાઈ હતી. મહેસાણા માર્કેટ યાર્ડ જણસીઓની આવકથી ધમધમતું થયું છે. આજે માર્કેટ યાર્ડમાં એરંડાની 236 બોરીની આવક નોંધાઈ હતી. એરંડાની આવકમાં દિવાળીના તહેવારો પછી ઘટાડો નોંધાયો છે. નોંધનીય છે કે, આજે ખેડૂતો કઠોળ, રાયડો, એરંડા અને રજકા સહિતના પાકો વેચાણ અર્થે લઈને આવ્યા હતા. ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં લાભ પાંચમથી ખેડૂતોએ બટાટાની વાવણી કરવાનું શરૂ કરી દીધું છે. જેમાં જિલ્લામાં આશરે 60થી 70 હજાર હેક્ટરમાં બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે.