વડોદરા: એક બાજુ ગુજરાતમાં નવરાત્રિની ધૂમ ચાલી રહી છે. ત્યારે શહેરના એરપોર્ટ ખાતે ફરી એક વખત બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. જેના કારણે વડોદરા પોલીસ પણ દોડતી થઇ છે. એરપોર્ટની સિક્યુરિટી એજન્સી સાથે મળી બંદોબસ્ત ગોઠવીને તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ઈમેલ કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચોથી ઓક્ટોબરના રોજ હરણી એરપોર્ટ ઓથોરિટી પાસેની CISFના આઈડી પર કોઈ અજાણ્યા શખસ દ્વારા મેઇલ કરવામાં આવ્યો હતો. જેમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં જ અફરાતફરી મચી ગઈ હતી. આ અંગે ઉચ્ચ અધિકારી સહિત હરણી પોલીસ અને એરપોર્ટ ઓથોરિટીને જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ મેઈલમાં લખવામાં આવ્યું હતું કે, I have tickled their ego and have frustrated them! Hahahaha! Result? Boom, boom and BANGS! BIG BIG BANGS!! Hohohohohoho! No stopping, no escape! Let the games begin! Jai mahakal jai ma adishakti. જેથી અમે ઉચ્ચ અધિકારી સહિત હરણી પોલીસ અને એરપોર્ટ ઓથોરિટીને જાણ કરી હતી.
આ ઘટનાની માહિતી મળતા ઉચ્ચ અધિકારીઓ પણ એરપોર્ટ પહોંચી ગયા હતા અને બોમ્બ સ્ક્વોડ અને સ્નિફર ડોગ દ્વારા ટર્મિનલ સહિતના વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું. જો કે, કોઈ શંકાસ્પદ પદાર્થ કે વસ્તુ મળી આવી ન હતી. મહત્વની બાબત છે કે અગાઉ 4 મહિના પહેલાં વડોદરા હરણી એરપોર્ટને ઇ-મેઇલ દ્વારા ધમકી મળી ચૂકી છે અને ત્યારે પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી.
અમદાવાદ એરપોર્ટને પણ મળી હતી ધમકી
12 મે, 2024ના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટને એક અઠવાડિયામાં બેવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. કોઈ અજાણ્યા ઈ-મેઇલ આઇડી પરથી અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. એને લઈને એરપોર્ટ ઓથોરિટી દ્વારા ગ્રાઉન્ડ સ્ટાફ અને એરલાઇન્સ સ્ટાફને તમામ મુસાફરોનું સઘન ચેકિંગ કરવાની કડક સૂચના આપવામાં આવી હતી.