અમદાવાદ: લાંબા સમય સુધી જેલમાં બંધ ઉત્તર પ્રદેશના બાહુબલી અને પૂર્વ સાંસદ અતીક અહેમદનું નવું ઠેકાણું હવે સાબરમતી જેલ છે.. સુપ્રીમ કોર્ટ દ્વારા અતીક અહેમદ પર સખ્તાઈ દર્શાવ્યા બાદ ઉત્તર પ્રદેશની સરકારે તેની બદલી સાબરમતી જેલમાં કરી છે.અતીક અહેમદને આજે ભારે સુરક્ષા વચ્ચે અમદાવાદની મધ્યસ્થ જેલમાં ખસેડવામાં આવ્યો છે. આજે સવારે વિમાન માર્ગે આતિકને અમદવાદ લાવવામાં આવ્યો હતો. એરપોર્ટથી તેને ભારે સુરક્ષા વચ્ચે સાબરમતી જેલમાં ખસેડવામાં આવ્યો હતો.
અતીક અહેમદ સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે. તેના પર બીએસપીના નેતાની હત્યાનો પણ આરોપ છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અતીકને ઉત્તર પ્રદેશની જેલમાંથી ગુજરાતની જેલમાં ખસેડવામાં આવ્યો છે. અતીક અહેમદ ઉત્તર પ્રદેશની ફુલપુર બેઠક પરથી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર સાંસદની ચૂંટણી જીતી ચૂક્યો છે. આ ઉપરાંત તે પાંચ વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યો છે.
અતીક અહેમદને જ્યારે એરપોર્ટ લાવવામાં આવ્યો ત્યારે તેના કેટલાક સમર્થકો પણ એરપોર્ટ બહાર પહોંચી ગયાં હતા. અતીકને પોલીસની ગાડી લઈ જવામાં આવતો હતો ત્યારે તેના પર ગુલાબના ફૂલનો હાર ફેંકવામાં આવ્યો હતો. અહીં હાજર તેના એક સમર્થકે જણાવ્યું હતું કે તે ગુનેગાર હોવાની સાથેસાથે ઉત્તર પ્રદેશમાં ગરીબ મુસ્લિમોની મદદ પણ કરે છે.
અતીકને સાબરમતી જેલમાં ખસેડતાં પહેલાં શુક્રવારે જેલના વડા સહિત અધિકારીઓએ સાબરમતી મધ્યસ્થ જેલની ચકાસણી પણ કરી હતી. અતીક અહેમદને ખૂબ જ સુરક્ષિત ઝોનમાં રાખવામાં આવશે.તેની સુરક્ષાને પડકારરુપ માનવામાં આવે છે કારણ કે જેલમાં બેઠાં તેનું ગુનાખોરીનું નેટવર્ક ચલાવવામાં પાવરધો છે.
અતીક અહેમદનું ઉત્તર પ્રદેશમાં મોટું નેટવર્ક છે. તે જેલમાં રહીને પણ અપહરણ અને ખંડણી જેવા ગુનાઓને અંજામ આપતો રહે છે. તે ઉત્તર પ્રદેશની જે પણ જેલમાં રહે છે ત્યાં તેનું નેટવર્ક ઉભું કરે છે અને ગુનાઓને અંજામ આપતો રહે છે. અપહરણ અને ખંડણીને કેસોની તપાસ બાદ સુપ્રીમ કોર્ટે તેને ઉત્તર પ્રદેશમાંથી ગુજરાતની સાબરમતી જેલમાં ખસેડી દેવાનો આદેશ કર્યો હતો.