ધ ગ્રાન્ડ અમદાવાદ કાર્નિવલની શરૂઆત, 200 થી વધુ બ્રાન્ડ્સ એક જ જગ્યાએ…

અમદાવાદઃ શહેરમાં ધ ગ્રાન્ડ અમદાવાદ કાર્નિવલ 2019નો પ્રારંભ થયો છે. આ ફેસ્ટીવલ 9 દિવસ ચાલશે. આ કાર્નિવલ ગુજરાતના વ્યાપારી મથક અમદાવાદ શહેરને સમર્પિત કરવામાં આવ્યો છે. ઈવેન્ટ આયોજનમાં પાયોનિયર ગણાતા લલુજી એન્ડ સન્સ દ્વારા આયોજીત આ મેગા કાર્નિવલ  તા.1 થી 9 જૂન દરમ્યાન યોજાશે, જે આ વેકેશનની મોસમમાં અમદાવાદના નાગરિકો માટે અચૂક મુલાકાત લેવા જેવો સમારંભ બની રહેશે.

આ ગ્રાન્ડ અમદાવાદ કાર્નિવલ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાયો છે. વાતાનુકૂલિત એક્ઝિબિશન સ્ટોલ્સમાં 200થી વધુ બ્રાન્ડસ પ્રદર્શિત કરવામાં આવી છે. અંદાજે 5 લાખ જેટલા  મુલાકાતીઓને સમાવનાર આ ફેસ્ટીવલ દરમ્યાન ઓડિટોરિયમમાં અમદાવાદમાં લોકોને મનોરંજન માટે વિવિધ રોમાંચક લાઈવ પરફોરમન્સ અને સ્ટોજ શોનુ આયોજન કરવામાં આવ્યું છે.

ધ ગ્રાન્ડ અમદાવાદ કાર્નિવલ 2019માં એફએમસીજી અને હોમ એપ્લાયન્સીસ, ફર્નિચર અને ગૃહ સુશોભન, ટ્રાવેલ અને ટુરિઝમ, એજ્યુકેશન, બેંકીંગ અને લાઈફ સ્ટાઈલ સંબંધિત વાતાનુકૂલિત એક્ઝિબિશન સ્ટોલનુ આયોજન કરવામાં આવ્યું છે. આ સ્થળે ભીડનુ વ્યવસ્થાપન થઈ શકે અને સમારંભ સારી રીતે ચાલતો રહે તે અંગે વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે અને 2000થી વધુ કાર માટે મોટી પાર્કીંગ સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી છે.

લલુજી એન્ડ સન્સના મેનેજીંગ પાર્ટનર હિમાંશુ અગ્રવાલે જણાવ્યું હતું કે “ધ ગ્રાન્ડ અમદાવાદ કાર્નિવલ 2019 નું આયોજન સમગ્ર અમદાવાદ શહેર માટેના મનોરંજન અને શોપિંગના નવ દિવસના ફેસ્ટીવલ તરીકે કરવામાં આવ્યું છે. આ ફેસ્ટીવલ તમામ વય જૂથના લોકો માટે એક અનોખો અનુભવ બની રહેશે અને લોકો શહેરના ધમાલીયા જીવન વચ્ચે વેકેશનની મોસમની મોજ માણી શકશે.

ધ ગ્રાન્ડ અમદાવાદ કાર્નિવલ 2019 એક મોજમસ્તી ભર્યો, જીવંત અને ઉત્સાહપૂર્ણ સમારંભ બની રહેશે અને તેમાં લોકો રોમાંચક પ્રવૃત્તિઓમાં સામેલ થવાની સાથે સાથે વિવિધ ભોજન શૈલીની સ્વાદિષ્ટ વાનગીઓની મોજ માણી શકશે. અમે આ સમારંભને ગુજરાતનો સૌથી મોટો અને ખૂબજ પ્રતિક્ષાપાત્ર સમારંભ બનાવવાની મહેચ્છા ધરાવીએ છીએ.

ધ ગ્રાન્ડ અમદાવાદ કાર્નિવલ 2019 ની મહત્વની વિશેષતાઓમાં તા. 1લી જૂનના રોજ  મનનદેસાઈ, દીપ વૈદ્ય, ઓમ ભટ્ટ, ચિરાયુ મિસ્ત્રી, આરીઝ  સૈયદ તથા દેશભરના મહેમાન કલાકારોને આવરી લેતા કોમેડી ફેકટરીના સ્ટેન્ડ-અપ કોમેડી પરફોર્મન્સિસનો સમાવેશ થશે. તા. 2 જૂન 2019ના રોજ  આરજે દેવકી લિખીત ગુજરાતના એક જ અને એક માત્ર બ્રોડ-વે મ્યુઝિકલ પ્લે “સમુદ્રમંથન”ની રજૂઆત કરાશે.

આ સમારંભના આયોજક લાલુજી એન્ડ સન્સ સુંદર સમારંભ યોજવાની સાથે સાથે તમામ પ્રકારના સમારંભોના ચોકસાઈપૂર્ણ અને સમગ્રલક્ષી આયોજન અને ઝીણામાં ઝીણી વિગતો તરફ ધ્યાન આપવા માટે જાણીતા છે. એક સદી કરતાં પણ વધુ સમયનો સમૃધ્ધ અનુભવ ધરાવતા લાલુજી એન્ડ સન્સ વિવિધ 360 ડીગ્રી ટર્નકી સોલ્યુશન્સ રજૂ કરી ચૂક્યા છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર માટે તથા દેશભરના કોર્પોરેટ જગત માટે ટ્રેડ ફેર્સ, સ્પોર્ટસ, સાંસ્કૃતિક સમારંભો વગેરે જેવા કેટલાક સમારંભોના સફળ આયોજન અને વ્યવસ્થાપનનો સમાવેશ થાય છે.