અમદાવાદઃ રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે. રાજ્ય પર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેને પગલે શ્રીકાર વર્ષા થઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ચાર દિવસ ભારે વરસાદની શક્યતા છે. અનેક જિલ્લાઓમાં ઓરેન્જ, યલો અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા છ કલાકમાં 100થી વધુ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ જામનગરમાં વરસ્યો છે. માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લાઠીની ગાગડિયા નદીમાં ઘોડાપૂર આવ્યું છે તો અબડાસાની ખારી નદી બે કાંઠે વહી રહી છે તેમ જ રાજકોટનો ન્યારી-2 ડેમ ઓવરફ્લોની તૈયારીમાં છે. રાજ્યના જામનગરમાં પાંચ ઇંચ, ભૂજમાં અઢી ઇંચ, કલ્યાણપુર અને દ્વારકામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યના 18 તાલુકામાં 1થી 4 ઇંચ વરસાદ વરસ્યો છે. લાઠી શહેરમાં આવેલી ગાગડિયા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ગાગડિયા નદીમાં ભારે પૂર આવતા બેઠો કોઝવે ઉપરથી પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. જેથી વાહનવ્યવહાર સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર-કચ્છ માટે આગામી 24 કલાક ભારે રહેવાની સંભાવના છે. જામનગર, કચ્છ, દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસે એવી શક્યતા છે. ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે.
હવામાન વિભાગના ડિરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જામનગર, દ્વારકા, પોરબંદર અને કચ્છમાં પણ રેડ એલર્ટ આપ્યું છે. આ સિવાય પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ છે. આ સિવાય આગામી 2-3 દિવસ માટે માછીમારોને ભારે પવન અને દરિયો તોફાની રહેવાના કારણે ચેતવણી આપવામાં આવી છે અને દરિયો ખેડવાની મનાઈ કરવામાં આવી છે. અમદાવાદના વસ્ત્રાપુર, સેટેલાઈટ, શિવરંજની, સોલા, સિંધુભવન અને મકરબા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહી રહ્યાં છે. ભૂજમાં રાજાશાહી સમયની ગઢની દીવાલ ધરાશાયી થઈ છે.
રાજકોટ જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. શહેરના તમામ મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. જેમાં કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, નાનામૌવા રોડ અને 150 ફૂટ રિંગરોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીને લઈ વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો રામનાથપરા અને પોપટપરા સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સર્વત્ર વરસાદ નોંધાયો હતો. જેમાં વિજયનગરમાં અઢી ઇંચ તો પ્રાંતિજમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે હિંમતનગર, ઇડર અને તલોદમાં પોણો-પોણો ઇંચ વરસાદ અને પોશીના-વડાલીમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. વિજયનગર પંથકમાં 62 મિમી વરસાદ વરસતા ચેકડેમો, તળાવોમાં નવાં નીર આવ્યા હતા. નદીમાં પાણી આવતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાભા પાસે આવેલો ઝાંઝરી ધોધ શરૂ થયો છે.